કેન્દ્રીય પ્રધાનને પત્ર પાઠવીને આપી જાણકારી

કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસકાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત કરતા વિજય રૂપાણી 
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા14: કચ્છના ટૂંણા-કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો અબોલ પશુજીવ સંવેદનસ્પર્શી નિર્ણય આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે. આ સંદર્ભે મુખ્યપ્રધાન રૂપાણીએ કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુને પત્ર પાઠવીને જાણકારી આપી હતી અને ભારત સરકાર તરફથી આ સમગ્ર બાબતે ત્વરિત નિવારણ લાવવાનો અનુરોધ કર્યો છે. મુખ્ય પ્રધાને ટૂંણા-કંડલા પોર્ટ ખાતે કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટને પણ જ્યાં સુધી ભારત સરકાર તરફથી યોગ્ય દિશાનિર્દેશ ન મળે ત્યાં સુધી આવી નિકાસ ન કરવા દેવાની સૂચના આપવામાં આવી છે.
મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે તાજેતરમાં જીવતાં પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને ઍનિમલ વેલ્ફેર બોર્ડ અૉફ ઇન્ડિયાએ પ્રસિદ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જ્યાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શિકા પ્રમાણેનાં ધારાધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવિત પશુઓની નિકાસ થઈ શકશે નહીં.
વિજય રૂપાણીએ કેન્દ્રીય વાણિજ્ય પ્રધાનને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકાને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી આપવામાં આવતી લોકલ સર્ટિફિકેશનની મંજૂરી નવા નિયમોને કારણે અર્થહીન બની ગઈ છે. તેમણે એવી પણ વિનંતી કરી છે કે જ્યાં સુધી કવોરેન્ટાઇન સ્ટેશન અને સર્ટિફિકેશનની સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પશુઓની કંડલા બંદરેથી નિકાસની પરમિટ બંધ કરવામાં આવે. 
આ ઉપરાંત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ અૉફ ઍનિમલ રૂલ્સ 1978 અને ધ પ્રિવેન્શન અૉફ ક્રૂઅલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટ 1960ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન અને પશુઓના પરિવાહન અંગે આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલન અંગેનું મેકૅનિઝમ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય એ દરમિયાન આ કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવા પોલીસતંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે. તદુપરાંત ટુંણા પોર્ટ પરથી ગેરકાયદે રીતે પશુઓની નિકાસ ન થઈ શકે એ હેતુથી ગૃહવિભાગ દ્વારા તાકીદના ધોરણે એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ પર પોલીસતંત્ર 24ડ્ઢ7 નિગરાની રાખીને કોઈ પણ જીવિત પશુની નિકાસ નહીં થવા દે. 
રાજ્યસરકારના નોટિફિકેશન અન્વયે રાજ્યના તમામ જિલ્લામાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં સ્થપાયેલી પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ (એસપીસીએ)ને કોઈ પણ પ્રકારના પ્રાણી ક્રૂરતાના કિસ્સામાં પ્રિવેન્શન અૉફ ઍનિમલ ક્રૂઅલ્ટી ઍક્ટની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer