શાહનો રાહુલને રફાલ મુદ્દે ચર્ચાનો પડકાર

`સત્યમેવ જયતે, રફાલ માટે ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં સરકારની કોઈ જ ભૂમિકા ન હોવાનું સુપ્રીમકોર્ટે માન્ય રાખ્યું છે અને વ્યક્તિગત ધારણાઓનાં આધારે કોઈપણ તપાસની આવશ્યકતા પણ નકારી દીધી છે. અદાલતનાં આ ચુકાદાએ રાજકીય લાભ ઉઠાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેલાવેલા જૂઠાણાંનો પણ પર્દાફાશ કરી નાખ્યો છે. હું કંઈ રાહુલ ગાંધી નથી, હું તો તથ્યો સાથે જ વાત કરું છું. દેશની જનતાને ગેરમાર્ગે દોરવા બદલ રાહુલે દેશની જનતાની માફી માગવી જોઈએ. રાફેલ સોદા મુદ્દે હું સંસદમાં ચર્ચા માટે તૈયાર છું. પરંતુ કોંગ્રેસ જ ચર્ચાથી ભાગે છે. રાહુલે સેનાનું મનોબળ તોડવાનો પણ પ્રયાસ કર્યો છે.'
- અમિત શાહ (ભાજપ અધ્યક્ષ)
`અમારા મતે સુપ્રીમ કોર્ટનો ફેંસલો સદંતર ખોટો છે. રાફેલ સામેની શંકાઓ માટેની ઝુંબેશ આ ચુકાદાથી અટકી નહીં જાય અને અમે ફેરવિચાર માગતી અરજી દાખલ કરવાં અંગે પણ સંભાવનાઓ ચકાસી લેશું. આ કંઈ પહેલીવાર એવું નથી બન્યું જેમાં અદાલત ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટાચારની તપાસનો આદેશ આપવામાં વિફળ રહી હોય.'
- પ્રશાંત ભુષણ (ધારાશાત્રી અને અરજદાર)
`અમારી માગણી સંયુક્ત સંસદીય તપાસની છે અને તે માગ હજી પણ ઉભી જ છે. મુખ્ય મુદ્દો ભાવનો છે અને સુપ્રીમ કોર્ટે તેને પોતાનાં અધિકાર ક્ષેત્રની બહારની બાબત ગણાવીને કોઈપણ ટિપ્પણી ટાળ છે.'
-મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ નેતા)
`કોંગ્રેસ લાંબા સમયથી જે વાત કરતો આવ્યો છે તેને સુપ્રીમ કોર્ટે પણ પુષ્ટિ આપી છે. સંરક્ષણ કરાર જેવી સંવેદનશીલ બાબતે નિર્ણય કરવાં માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય મંચ નથી.'
- રણદીપ સુરજેવાલા (કોંગ્રેસ પ્રવક્તા)
`ભાજપ શરૂઆતથી જ કહેતો આવ્યો છે કે આ બાબત સદંતર પારદર્શક છે. બધા સોદા કંઈ બોફોર્સ નથી હોતાં. રાહુલ ગાંધી અને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ખોટા આક્ષેપો કરવાં અને તેમની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવવા બદલ માફી માગવી જોઈએ.'
- શાહનવાઝ હુસેન( ભાજપ પ્રવક્તા)
`માનનીય સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને આવકાર. રિલાયન્સ જૂથ અને મારી સામે રાજકારણ પ્રેરિત આરોપો ખોટા હોવાનું પ્રસ્થાપિત થયું છે. અમે રાષ્ટ્રીય સુરક્ષા અને મેઈક ઈન ઈન્ડિયામાં અમારું યોગદાન આપવા પ્રતિબદ્ધ છીએ.'
- અનિલ અંબાણી (રિલાયન્સ ડીફેસન્સ ચેરમેન)
`સુપ્રીમ કોર્ટે કંઈ જ ખોટું કહ્યું નથી. ભાવ નિર્ધારણ અદાલતનું કામ નથી અને આવી જ રીતે રામમંદિરનો નિર્ણય પણ તેનું કાર્ય નથી.'
- સંજય રાઉત (શિવસેના નેતા)
`સુપ્રીમ કોર્ટ એવું માને છે કે તેના દ્વારા જે કહેવાયું તે જ યોગ્ય છે પણ પક્ષો સંયુક્ત સંસદીય તપાસ માગે છે'
- સુગાતા રોય (તૃણમૂલ કોંગ્રેસ)
`તમામ પ્રકારની સંરક્ષણ પ્રાપ્તિ માટેની પ્રક્રિયામાં પાયાગત સુધારા આવશ્યક છે.'
- માયાવતી (બસપા પ્રમુખ)
`જૂઠ અલ્પજીવી હોય છે. સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ આંકડા સાચા અને રાહુલે આપેલા આંકડા ખોટા હતાં. સત્યને કેવળ એક જ પરિમાણ હોય છે. જ્યારે જૂઠને અનેક પાસા હોય છે અને એટલે જ રાહુલ જુદી-જુદી વાતો કરતાં રહેતા હતાં.'
- અરુણ જેટલી

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer