રફાલ : તપાસ માગતી અરજીઓ કાઢી નાખતાં કોર્ટે જણાવેલા મુદ્દા ઊડતી નજરે

નવી દિલ્હી, તા. 14: ફ્રાન્સની દસોલ્ત કંપની પાસેથી રાફેલ લડાયક વિમાન ખરીદવાના સોદામાંની કથિત ગેરરીતિઓ અંગે એફઆઈઆર નોંધાવવા સીબીઆઈને દોરવણી આપવા માગણી કરતી અરજીઓ કાઢી નાખતાં સર્વોચ્ચ અદાલતની બેન્ચે આજે નરેન્દ્ર મોદી સરકારને ક્લિન ચીટ આપી છે. આ ફેંસલો આપતા અદાલતે જણાવેલા મહત્ત્વના મુદ્દા આ મુજબ છે:
  • સોદા અંગે નિર્ણય લેવાની પ્રક્રિયા વિશે કોઈ શંકા સેવી શકાય તેમ નથી.
  • ચોથી અને પાંચમી જનરેશન (આવૃત્તિ)ના વિમાનો આમેજ કરવાની જરૂર હતી અને દેશને આવા લડાયક વિમાન વિના ચાલે તેમ નથી.
  • વિમાનની જરૂરિયાત અને ગુણવત્તા નિ:શંક હોય ત્યારે તેની કિંમતની તુલનાત્મક વિગતોમાં જવું એ કોર્ટનું કામ નથી.
  • વિમાનની ખરીદી, કિંમત અને ઓફફસેટ પાર્ટનરમાં હસ્તક્ષેપ કરવા જેવી આ નોંધનીય બાબત નથી.
  • સોદો કમર્શિઅલ તરફેણવાદ હોવાનું દર્શાવતી કોઈ સામગ્રી નથી.
  • દસોલ્ત એવીએશને ભારતીય ઓફફસેટ પાર્ટનરની પસંદગીમાં કાંઈ ખોટું કર્યું નથી.
  • ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાંસ્વા ઓલાન્દેએ, અદાલતી સમીક્ષાનો આધાર ન બની શકે તેવું નિવેદન કર્યા પછી જ સવાલો ઉઠયા હતા.
  • 36 વિમાન ખરીદવા કે 126 એનો નિર્ણય સરકાર હસ્તક રહે છે, કોર્ટ સરકારને ફરજ પાડી ન શકે.
  • સપ્ટે. 16માં સોદાને અંતિમ ઓપ અપાયો ત્યારે કોઈએ સવાલ નહોતા કર્યા.
  • સોદા વિશે કેટલાક લોકોના વ્યક્તિગત ખ્યાલ વજુદ નથી ધરાવતા, પણ ભારત જ્યારે આવા એકેય વિમાન ધરાવતું ન હોય ત્યારે શત્રુ દેશ ચોથી/પાંચમી આવૃત્તિના લડાયક જેટ વિમાન આમેજ કરી લીધા હોય તે સ્થિતિમાં આ પ્રકારના સંરક્ષણ સોદા ચકાસવાનું ન્યાયતંત્ર માટે પણ ભારે કશ્મકશભર્યું કાર્યક્ષેત્રમાં બની રહે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer