ખોટા આરોપો બદલ કૅંગ્રેસપ્રમુખ માફી માગે

ખોટા આરોપો બદલ કૅંગ્રેસપ્રમુખ માફી માગે
રફાલ સોદા પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ રાહુલ પર અમિત શાહના પ્રહારો
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 14 : છેલ્લા કેટલાક મહિનાઓથી કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી અને વિપક્ષોના કેટલાક નેતાઓ રફાલ સોદાના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો લગાવી રહ્યા હતા, પરંતુ આજે સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ ભાજપના પ્રમુખ અમિત શાહના નેતૃત્વમાં ભાજપની નેતાગીરીએ કૉંગ્રેસના નેતૃત્વ પર જોરદાર પ્રહારો કર્યા હતા અને રાહુલ ગાંધી જનતાની અને ભારતીય સેનાની માફી માગે એવી માગણી કરી હતી.
તાજેતરમાં પૂરી થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી ઝુંબેશમાં રાહુલ ગાંધીએ રફાલ સોદાને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને ચૂંટણી સભામાં તેને મુદ્દો બનાવ્યો હતો.
ભાજપપ્રમુખ અમિત શાહે સર્વોચ્ચ અદાલતના ચુકાદાના થોડા કલાક બાદ પત્રકાર પરિષદમાં અદાલતના આ ચુકાદાનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, રફાલ મુદ્દે સરકાર પર આરોપ લગાવનારાઓના મોઢા પર અદાલતે તમાચો માર્યો છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે. આ ચુકાદાથી જૂઠાણાની રાજનીતિ કરનારાઓના મોઢા પર તમાચો પડયો છે.
તેમણે જણાવ્યું હતું કે, આ ચુકાદાથી એ વાત સાબિત થઈ ગઈ છે કે, જૂઠાણાના પગ હોતા નથી અને સત્યનો હંમેશાં વિજય થાય છે.
અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં એવો સવાલ કર્યો હતો કે, રફાલ સોદા અંગે તેમણે જે આરોપો લગાવ્યા હતા તેની જાણકારીનો આધાર કે સ્રોત કયો છે? એ દેશની જનતાને બતાવવું જોઇએ.
કૉંગ્રેસની સરકાર 2007થી 2014 સુધી હતી ત્યારે આ સોદો શા માટે પાર પાડવામાં નહોતો આવ્યો? શું તેમાં કઈ નક્કી કરવાનું બાકી હતું? શું તેમાં કમિશનની રકમ નક્કી કરવાનું બાકી હતું? આ તમામ જાણકારી કૉંગ્રેસે દેશની જનતાને આપવી જોઇએ.
રફાલ સોદાની જેપીસી દ્વારા તપાસની માગણી અંગે ભાજપપ્રમુખે જણાવ્યું હતું કે, આ માગણી વ્યાજબી છે, પરંતુ તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવા બાબત સંસદમાં ચર્ચા થવી જોઇએ. કૉંગ્રેસ શા માટે ચર્ચાથી દૂર ભાગે છે? ભાજપ અને મોદી સરકાર ચર્ચા માટે તૈયાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer