લોકસભાની ચૂંટણી પહેલાં રફાલનો ચુકાદો મોદી માટે વરદાન સમાન

લોકસભાની ચૂંટણી પહેલાં રફાલનો ચુકાદો મોદી માટે વરદાન સમાન
કૉંગ્રેસે જેપીસીની તપાસની માગણી દોહરાવી
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : રફાલ સોદામાં સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપતાં 2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે યોગ્ય સમયે જ સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો વડા પ્રધાન માટે વરદાનરૂપ બન્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચારરહિત સ્વચ્છ છબી પ્રસ્થાપિત થઈ છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂઠાણું ચલાવવાનો રાહુલ ગાંધી પર આરોપ મૂકીને અને માફીની માગણી કરીને લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસપ્રમુખ પર પ્રહારો કરવા તમામ પ્રયાસો કરી છૂટશે, કારણ કે વિધાનસભાની તાજેતરની ચૂંટણીઓમાં વડા પ્રધાન પર પ્રહાર કરવા અને તેઓ માત્ર અમીરોની તરફેણ કરતા હોવાનો આરોપ લગાવવા રાહુલ ગાંધીએ રફાલ સોદાનો જ આશરો લીધો હતો.
જોકે, કૉંગ્રેસ હજી પણ રફાલ સોદાના ભાવની બાબતમાં આ મુદ્દાને ઉછાળી રહી છે, કારણ કે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે ભાવની વિગતો અંગે તે કોઈ ટિપ્પણી કરી શકે નહીં. એટલે કૉંગ્રેસે આ મુદ્દાને ઉછાળવાનું ચાલુ રાખવા આ સોદાની તપાસ સંયુક્ત સંસદસીય સમિતિ કરે એવી પોતાની માગણી
દોહરાવી હતી.
નાણાપ્રધાન અરુણ જેટલીએ આ સોદાની તપાસ સાંસદોની સંયુક્ત સંસદીય સમિતિ કરે એવી કૉંગ્રેસની માગણીને ફગાવી દીધી હતી. `બહેરાઓને જવાબ સંભળાતો નથી' એમ જેટલીએ જણાવ્યું હતું. આ સોદાની તપાસ માટે જેપીસી એ યોગ્ય ફોરમ નથી. સુપ્રીમ કોર્ટ જેવી અદાલતી સંસ્થા જ તેની તપાસ કરી શકે. પક્ષપાતી અને વિભાજનકારી સંસ્થા આવી તપાસ કે ચકાસણી કરી શકે નહીં, એમ જણાવીને તેમણે એ વાત યાદ કરી હતી કે બોફોર્સ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે રચાયેલી જેપીસી પણ પક્ષપાતી વલણને કારણે ખંડિત થઈ ગઈ હતી, એમ જેટલીએ વધુમાં
જણાવ્યું હતું.
શુક્રવારના સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કૉંગ્રેસે એવી નોંધ કરી હતી કે તે હંમેશાં એવું માને છે કે સુપ્રીમ કોર્ટ આવા આરોપોની તપાસ કરવા સર્વોચ્ચ અદાલત સાધનસંપન્ન નથી, કારણ કે એમાં ફાઈલોને લગતી પૂરતી તપાસ કરવી પડે છે.
`જો તેમણે કશું જ છુપાવવાનું નથી તો હું મોદીજી અને તેમની સરકારને જેપીસીની તપાસનો પડકાર ફેંકું છું. જેનાથી રફાલ સોદામાં ભ્રષ્ટાચાર સામે સવાલ ઊભો થઈ શકશે,' એમ કૉંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ
જણાવ્યું હતું.
`સુપ્રીમ કોર્ટમાં સરકારે જે રજૂઆત કરી છે તે એકતરફી હતી અને સહી વગરના એફિડેવિટ પરની અડધી માહિતીના આધારે કરાઈ હતી જેની કોઈએ તપાસ કરી નહોતી. જો સરકારે કાંઈ છુપાવવાનું જ ન હોય તો હું તેમને જેપીસીની તપાસ કરવાનો પડકાર ફેંકું છું એમ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું.
ખડગેએ જણાવ્યું હતું કે, મુખ્ય મુદ્દો ભાવનો છે જેના પર સર્વોચ્ચ અદાલતે કોઈ ટિપ્પણી કરી નથી, કારણ કે આ બાબત તેના કાર્યક્ષેત્રમાં આવતી નથી.
સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાએ વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ બાદ સરકારમાં નવા પ્રાણ પૂર્યા છે અને તેની પ્રતીતિ આજે લોકસભામાં થઈ હતી જ્યાં ભાજપના સાંસદો `રાહુલ ગાંધી માફી માગે' જેવા સૂત્રોચ્ચાર કરીને કૉંગ્રેસનો પ્રતિકાર કરતા જોવા મળ્યા હતા.
ગૃહપ્રધાન રાજનાથસિંહે દેશને ગેરમાર્ગે દોરવા માટે અને રફાલ સોદાના મુદ્દે દેશની છબિ ખરાબ કરવા માટે રાહુલ ગાંધી ગૃહમાં માફી માગે એવી લોકસભામાં માગણી કરી હતી.
સંસદમાં આગામી દિવસો તોફાની બની રહેશે, કારણ કે જેપીસીની તપાસના મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ એકબીજાની સામે આવી ગયા છે, પરંતુ એ જોવાનું રહેશે કે આ વખતે સપા, બસપા, ટીએમસી, બીજેડી, ટીડીપી વગેરે વિપક્ષો કૉંગ્રેસ સાથે આ મુદ્દે જોડાય છે કે નહીં. સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે અબજો ડૉલરના આ સોદામાં નિર્ણય પ્રક્રિયા અંગે શંકા કરવાનું કોઈ કારણ નથી. કોઈ ખાનગી કંપનીની તરફેણ કરાઈ હોવાના કોઈ પૂરતા પુરાવા નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer