તપાસ માટેની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

તપાસ માટેની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
રફાલ ડીલમાં મોદી સરકારને ક્લીન ચિટ
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 14 : ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રફાલ યુદ્ધ વિમાન ખરીદીના સોદામાં કથિત કૌભાંડના કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોના પ્રહારોનો સામનો કરી રહેલી નરેન્દ્ર મોદી સરકારને દેશની સર્વોચ્ચ અદાલતે મોટી રાહત આપી હતી. રફાલ સોદામાં કોઈ જ અનિયમિતતા દેખાતી નથી, તેવું કહીને આ સોદાને દેશની જરૂરત ગણાવતાં સુપ્રીમ કોર્ટે રફાલ વિરોધી તમામ અરજી ફગાવી દીધી હતી.
રફાલ સોદાને પડકારતી તમામ અરજીઓ ફગાવી દેતાં સુપ્રીમે સ્પષ્ટપણે કહ્યું હતું કે, યુદ્ધ વિમાનના સોદા માટે `નિર્ણય લેવાની પ્રક્રિયા પર ખરેખર શંકા' કરવા જેવું કંઈ પણ દેખાયું નથી. રાહુલ ગાંધી માટે આ ફેંસલો ઝટકારૂપ મનાય છે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં પરાજયરૂપે આંચકા બાદ મોદી સરકારને મોટી રાહતરૂપે 58 હજાર કરોડ રૂપિયાના રફાલ યુદ્ધ વિમાન સોદામાં કથિત અનિયમિતતાઓની અદાલત સંચાલિત તપાસ તેમજ એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજીઓ અદાલતે રદ કરી નાખી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે નિર્ણય લેવાની પ્રક્રિયા, ભાવો તેમજ ભારતીય ભાગીદારોની પસંદગી, એ અરજીઓમાં ઊઠાવાયેલા ચિંતાના ત્રણ મુદ્દાની તપાસ કરી હતી.
આ તપાસના અંતે સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે, 36 રફાલ યુદ્ધ વિમાનોની ખરીદના `સંવેદનશીલ મુદ્દા' પર અદાલતે હસ્તક્ષેપ કરવો પડે તેવું કોઈ જ કારણ મળ્યું નથી.
સુપ્રીમે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, રફાલ યુદ્ધ વિમાનોની કિંમત પર કોઈ નિર્ણય લેવો તે કંઈ અદાલતનું કામ નથી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે યુપીએ કરતાં ત્રણ ગણી વધુ કિંમતે સોદો કર્યો હોવાનો આરોપ મોદી સરકાર પર મૂક્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer