વધારાની FSI સાથેની સ્લમ રિડેવલપમેન્ટ પોલિસીને સુપ્રીમ કોર્ટની મંજૂરી

મુંબઈ, તા. 15 : સુપ્રીમ કોર્ટે શહેરની ગીચતા ઘટાડવા વધારેલી એફએસઆઈ સાથેની મહારાષ્ટ્ર સરકારની મુંબઈ સ્લમ રિડેવલપમેન્ટ પોલિસીને માન્ય રાખવાના બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદા પર ગઈકાલે મંજૂરીની મહોર મારી હતી.
એનજીઓ જનહિત મંચની લાંબા સમયથી પેન્ડિંગ અપીલને ફગાવી દેતાં ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કૌલ તથા કે. એમ. જોસેફની બેન્ચે જણાવ્યું હતું કે હાઈ કોર્ટના ચુકાદામાં વિક્ષેપ નાખવાનો કોઈ આધાર નથી.
જસ્ટિસ કૌલે બેન્ચ વતી લખેલા ચુકાદામાં જણાવ્યું હતું કે સ્થાનિક મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં જવાની આંધળી દોટ અટકવી જોઈએ અને સરકાર કેવળ રાજકીય લાભ ખાટવા માટે આ પ્રકારના નિર્ણયો લે છે તેવી ધારણાઓ બંધ થવી જોઈએ.
આપણે સત્તાના સેપરેશનના સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો જોઈએ. કોઈ પણ ચૂંટાયેલી સરકાર લોકોનાં હિતને ધ્યાનમાં રાખી નીતિવિષયક નિર્ણયો લેતી હોય છે. તેમાં વિવિધ સ્તરે લોકશાહી માળખું સમાયેલું હોય છે તેમ જ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપલ સત્તાવાળા, વિધાનસભા અને સંસદ સુધીની વિવિધ સંસ્થાનોએ પોતપોતાની ભૂમિકા ભજવવાની હોય છે' એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
સ્થાનિક મુદ્દા લઇને સુપ્રીમ કોર્ટમાં દોટ મૂકતાં અરજદારો પ્રત્યે નારાજગી દર્શાવતાં જસ્ટિસ કૌલે જણાવ્યું હતું કે `સ્થાનિક સમસ્યાઓ પર સ્થાનિક સ્તરે ધ્યાન અપાવું પણ જરૂરી છે. હાઈ કોર્ટ એ એક બંધારણીય કોર્ટ છે.
રાજ્યની કોર્ટ સ્થાનિક બાબતોમાં તપાસ કરવા સુસજ્જ છે. ખાસ કરી જ્યાં રાજ્ય કે શહેરના ડેવલપમેન્ટ અને ઝોનિંગ રેગ્યુલેશન્સનો સવાલ હોય.'

Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer