સુરતે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે હજુ બે વર્ષ રાહ જોવી પડશે

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 16 : સુરતીઓનું આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મેળવવાનું સ્વપ્ન રોળાયું હોય તેમ લાગી રહ્યું છે. સતત રજૂઆતો છતાં પણ સુરતીઓને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મેળવવા માટે ઓછામાં ઓછા બે વર્ષ રાહ જોવી પડે તેમ છે. આ મામલે નવસારીનાં સાંસદે એએઆઈના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ કોઈ પ્રત્યુત્તર આપવાની વાત કરી છે. 
સુરત અને નવસારીના સાંસદો દ્વારા સુરતીઓને વહેલામાં વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ આપવાનું વચન આપવામાં આવ્યું છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી સુરત એરપોર્ટ ટર્મિનલનાં વિસ્તરણનું કામ પુરું નહિ થાય ત્યાં સુધી એરકનેક્ટીવીટી મળવી મુશ્કેલ છે. ખાનગી એરલાઈન્સ એરઈન્ડિયા એક્સપ્રેસે દિવસનાં સ્લોટમાં ફ્લાઈટ ઓપરેટ કરવા માટે સમય માગ્યો છે પરંતુ, દિવસ દરમ્યાન ડોમેસ્ટિક ફ્લાઈટથી એરપોર્ટ ધમધમતું હોવાથી ફરજીયાત નાઈટ ફ્લાઈટ કરવી પડે તેમ છે. એવામાં ખાનગી એરલાઈન્સ દ્વારા નાઈટ સ્લોટની વાતને ઉડાવી દેવામાં આવી છે. હવે, એરઈન્ડિયા એક્સપ્રેસે સ્પષ્ટ કર્યુ છે કે વર્ષ 2020 પછી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી માટે વિચારશું. 
ટર્મિનલ બિલ્ડીંગનું કામ પુરું થતાં ઓછામાં ઓછો બે વર્ષનો સમય લાગી શકે તેમ છે. ગત લોકસભાની ચૂંટણીની જાહેરસભામાં સ્ટાર પ્રચારકો દ્વારા અને ભાજપનાં ટોચનાં નેતાઓ દ્વારા સુરતને ઝડપથી પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ આપવાની વાત કરી હતી. પરંતુ, આ મામલે હજુ કશુ થયું નથી.  
સુરત એરપોર્ટ એક્શન કમિટીનાં પ્રમુખ સંજયભાઈ ઈઝાવાએ કહ્યું હતું કે, સુરતને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નહિ મળે તો અમે આંદોલન કરીશું. અત્યાર સુધી અમે તમામ રજૂઆતો કરી છે.
 

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer