ગુજરાતમાં ભારે પવન સાથે ઠંડીનો ચમકારો, જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા16:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે ઠંડા પવનનું જોર વધ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવનો સાથે  ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  આગામી તા.18 થી 22 ડિસેમ્બર વચ્ચે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જવાની શક્યતા રહે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 
રાજ્યમાં ભારે પવનો સાથે ઠંડી વધતા આજે રવિવારે ડીસા શહેરનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું હતું. જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી રહ્યું ં હતું. ઉપરાંત પાટનગર ગાંધીનગરનું તાપમાન 10 ડિગ્રી, ભુજ 11 ડિગ્રી, નલિયા અને કંડલા (એરપોર્ટ) 12 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગર અને વલસાડનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહ્યું હતું.  જો કે ભારે ઠંડા પવનોના કારણે રવિવારની રજામાં અમદાવાદીઓ ઠુંઠવાઇ  ગયા હતા. આમ છતાં રિવરફ્રન્ટ, એસજી હાઇવે, રિંગરોડ અને ગાંધીનગર જેવા ખુલ્લા વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો ખુશનુમા માહોલ રહ્યો હતો. ઠંડીને કારણે રવિવારે રસ્તા ઉપર પાંખી હાજરી જોવા મળી હતી અને ઘણા લોકે ઠંડીમાં ઘર બહાર નીકળવાનું ટાળ્યુ હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તા.17 ડિસેમ્બર એટલે કે આવતીકાલ સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ફરીથી ઠંડીનું જોર વધશે. 
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ સહિત ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે પણ ગુજરાતમાં કોલ્ડવેવ ફૂંકાતા ઠંડીનો રીતસરનો ચમકારો અનુભવાયો છે.  જ્યારે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચી ગયો છે, જેની અસર ઉત્તર ગુજરાતમાં પડી રહી છે.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer