એક કોચમાંથી બીજા કોચમાં જઈ શકાય એવા ડબા લોકલ ટ્રેનોમાં શક્ય છે?

મુંબઈ, તા. 16 : રેલવેપ્રધાન પીયૂષ ગોયલે રેલવે બોર્ડને વેસ્ટિબ્યુલ (એકથી બીજા ડબામાં જઈ શકાય એવી) નૉન-એસી ઇલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ (ઈએમયુ) ટ્રેનોનું ઉત્પાદન કરી શકાય એમ છે કે નહીં એનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું છે. જો આ અહેવાલ સકારાત્મક આવશે તો મુંબઈની નવી આવનારી લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા વધવાની શક્યતા છે અને મુંબઈગરાઓને ભીડમાંથી રાહત મળી શકે છે.
દેશભરમાં મેટ્રો ટ્રેનો વેસ્ટિબ્યુલ કોચ સાથે દોડે છે અને ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (આઇસીએફ)એ ખાતરી આપી છે કે મુંબઈમાં આવનારી નવી એસી લોકલ ટ્રેનોમાં વેસ્ટિબ્યુલ સિસ્ટમ હશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગોયલે રેલવે બોર્ડના અધિકારીઓને સૂચન કર્યું છે કે નૉન-એસી વેસ્ટિબ્યુલ ઈએમયુનું ઉત્પાદન થૅ શકે એમ છે કે નહીં અને આવી ટ્રેનો દોડાવી શકાય એમ છે કે નહીં એનો અભ્યાસ કરો. જો આ શક્ય હશે તો આવી પ્રત્યેક ટ્રેનમાં પ્રવાસીઓને સમાવવાની ક્ષમતામાં સેંકડોનો વધારો થઈ શકે છે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે રેલવેપ્રધાનનું સૂચન સારું છે, વેસ્ટિબ્યુલ રેક્સથી પ્રવાસીઓને સમાવવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે, ભીડ કે ધક્કામુક્કીને કારણે પ્રવાસીઓ ચાલતી ટ્રેનમાંથી પડી જાય એવા અકસ્માતોમાં પણ ઘટાડો થઈ શકે છે, પરંતુ મુંબઈની લોકલ ટ્રેનોમાં સળંગ પૅસેજ બનાવવામાં મુશ્કેલી છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં ફર્સ્ટક્લાસ અને મહિલા વિશેષ કોચ ઉપરાંત વિકલાંગ, મહિલા અને ફર્સ્ટક્લાસ જેવા અડધા કોચ ધરાવતી ટ્રેનો છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં ફેરિયાઓને તેમ જ અસામાજિક તત્ત્વોને પણ સળંગ પૅસેજ મળે તો એના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer