વિદ્યાર્થિનીઓની પીઠ પર હાથ ફેરવનાર હેડમાસ્તરની આત્મહત્યા

છોકરીઓએ ફરિયાદ કરતાં સામાજિક કાર્યકરો અને વાલીઓએ તેમની મારઝૂડ કરી હતી
પુણે, તા. 16 : નવમા ધોરણની વિદ્યાર્થિનીઓની પીઠ પસવારનારા હેડમાસ્તરની ગામના અમુક સામાજિક કાર્યકરોએ સ્કૂલમાં જઈને મારઝૂડ કરી હતી. ત્યાર બાદ માનસિક તાણમાં મુકાઈ ગયેલા હેડમાસ્તરે 24 સપ્ટેમ્બરે કૅનલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. દરમિયાન હેડમાસ્તરને આત્મહત્યા કરવા માટે પ્રવૃત્ત કરવા બદલ 3 મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ સિંહગડ રોડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અશોક કાવરે નામના હેડમાસ્તર પુણેના સિંહગડ રોડ પોલીસ-સ્ટેશન વિસ્તારની એક સ્કૂલમાં કાર્યરત હતા. કાવરેએ સ્કૂલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને અમુક કારણસર સજા કરી હતી. તેઓ નવમા ધોરણની વિદ્યાર્થિનીઓને સજા આપવા દરમિયાન માર પણ મારતા હતા. જોકે એ વખતે કાવરે વિદ્યાર્થિનીઓની પીઠ પર હાથ પસવારતા હતા. હેડમાસ્તરની આવી અવળચંડાઈ વિદ્યાર્થિનીઓને જરાય પસંદ નહોતી. દર વખતના હેડમાસ્તરના આવા ત્રાસથી કંટાળેલી અમુક છોકરીઓએ ગામની મહિલા સામાજિક કાર્યકરોને એ સંદર્ભે વાત કરી ત્યાર બાદ મહિલા કાર્યકરોએ સ્કૂલમાં જઈ કાવરે વિરુદ્ધ સિનિયરોને ફરિયાદ કરી અને એ પૂર્વે હેડમાસ્તરની પૂછપરછ કરીને મારઝૂડ કરી હતી. એ સંદર્ભની ચર્ચા દરેક જગ્યાએ થવા માંડતાં બદનામીના ડરે તથા માનસિક તાણમાં મુકાયેલા અશોક કાવરેએ કૅનલમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો. અશોક કાવરેનાં પત્ની વર્ષા કાવરેએ સિંહગડ રોડ પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવ્યા બાદ અશોક કાવરેની મારઝૂડ કરનારાં નવનાથ પારગે પૂજા પારગે, રોહિણી કુંભાર, બાળાસાહેબ પારગે તથા સુવર્ણા ચવ્હાણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સરદાર પાટીલ વધુ તપાસ કરી રહ્યા છે.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer