ટ્રેન અને પાટા પર સ્ટંટ કરનાર નાલાસોપારાના યુવાનને થઈ જેલ

મુંબઈ, તા. 16 : લોકલ ટ્રેનમાં અને પાટા પર ખતરનાક સ્ટંટ કરતા નાલાસોપારાના યુવકને જેલભેગા થવું પડ્યું છે.
વસઈ રેલવે કોર્ટે તેને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો અને રૂપિયા 800નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. જો તે દંડ ભરવામાં નિષ્ફળ જશે તો તેને વધુ બે સપ્તાહ જેલમાં ગાળવા પડશે. નાલાસોપારાના રેહમતનગરની મરિયમ બિલ્ડિંગમાં રહેતો આવેદ ખાન (20) 11મા ધોરણ સુધી ભણેલો છે અને રસ્તા પરની એક હોટલમાં કામ કરે છે. તેણે સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને નાણાં કમાવી શકાય છે એવું સાંભળ્યું હતું.
ત્રણ સપ્તાહ સુધી આવેદ ખાને ટ્રેનોમાં સ્ટંટ કરવાનું અને પાટા પર નૃત્ય કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.
આ વીડિયો વાઇરલ થતાં પોલીસે `નોટી ખાન' તરીકે જાણીતા આ યુવાનની તલાશ શરૂ કરી દીધી હતી. તેણે જ્યારે સોશિયલ મીડિયા પર પોતાનો ફોન નંબર પોસ્ટ કર્યો ત્યારે પોલીસને કડી મળી ગઈ હતી. પોલીસે જ્યારે તેને ફોન કર્યો ત્યારે તે પાલઘરમાં હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પોલીસ જ્યારે પાલઘર પહોંચી ત્યારે તેને છેતરવામાં આવી હોવાની જાણ થઈ હતી. પોલીસે વીડિયોનો અભ્યાસ કરતાં જણાયું હતું કે, તે નાલાસોપારા ખાતે શુટ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આ યુવાનને ઓળખી બતાવ્યો હતો અને શુક્રવારે પોલીસે તેને તેના ઘરમાંથી દબોચી લીધો હતો. તેની માતાને એ જાણીને આઘાત લાગ્યો હતો કે તેનો પુત્ર આવા ખતરનાક સ્ટંટ કરે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer