કાંદાની અછતને પહોંચી વળવા બફર સ્ટૉક વધારવા નાફેડને કેન્દ્રનો આદેશ

મુંબઈ, તા. 16 : દર વર્ષે અૉગસ્ટ મહિનામાં કાંદાની સર્જાતી અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકારે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અૉફ ઇન્ડિયા (નાફેડ)ને કાંદાના બફર સ્ટૉકની ક્ષમતા 5000 ટનમાંથી વધારીને 25 હજાર ટન કરવાનો આદેશ આપ્યો છે.
નાફેડના અધિકારીઓ સંગ્રહની સુવિધા માટે જમીન પૂરી પાડવા જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં છે.
હાલ કાંદાનો સંગ્રહ કરવાનાં કેન્દ્રો પિંપલગાંવ અને લાસલગાંવ ખાતે છે અને પ્રત્યેકની ક્ષમતા 2500 ટન કાંદાનો સંગ્રહ કરવાની છે.
``કેન્દ્રે એમને કાંદાનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારવાનો આદેશ આપ્યો છે અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ. સ્ટોરેજ સુવિધા માટે નાફેડ જ્યાં નાણાં ખર્ચી શકે એવી જમીન રાજ્ય સરકારે અમને આપવી જોઈએ'' એમ નાફેડના એક અધિકારીએ જણાવ્યું હતું.
સૂચિત કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી માટેના સ્થળો જિલ્લા પ્રશાસન અને નાફેડ સંયુક્ત રીતે શોધી કાઢશે.
અમે હજી સુધી આ બાબતમાં શરતો અંગે રાજ્ય સરકાર સાથે કોઈ નિર્ણય લીધો નથી એમ નાફેડના અધિકારીએ જણાવ્યું હતું.
માર્ચ અને એપ્રિલમાં પાકતા ઉનાળું કાંદા છ મહિના સુધી ટકતા હોય છે અને ખેડૂતો વધુ સારા ભાવની આશામાં તેનો સંગ્રહ કરવાનું પસંદ કરે છે.
બીજી તરફ ખરીફ અને પાછોતરા ખરીફ પાકમાં પાકેલા કાંદા એક મહિના કરતાં પણ ઓછા સમય સુધી ટકતા હોય છે અને 30 દિવસ પછી તે સડવા લાગે છે.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer