સચીનના વધુ એક રેકર્ડની બરાબરી કરતો વિરાટ

સચીનના વધુ એક રેકર્ડની બરાબરી કરતો વિરાટ
પર્થ, તા.16: ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક સુકાની વિરાટ કોહલીએ આજે તેની ટેસ્ટ કેરિયરની 2પમી સદી ફટકારીને મહાન સચિન તેંડુલકરના વધુ એક રેકોર્ડની બરાબરી કરી છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેના બીજા ટેસ્ટના પહેલા દાવમાં આજે 123 રનની ઇનિંગ રમી હતી. જે તેની ઓસ્ટ્રેલિયાની ધરતી પર છઠ્ઠી ટેસ્ટ સદી છે. આ સાથે તેણે સચિનના ઓસ્ટ્રેલિયામાં 6 ટેસ્ટ સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ સૂચિમાં સુનિલ ગાવસ્કરના નામે પાંચ અને વીવીએસ લક્ષ્મણના નામે 4 સદી બોલે છે. કોહલીને ઓસ્ટ્રેલિયા સામે આ કુલ સાતમી સદી છે. તેણે 2013માં ઓસિ. સામે ચેન્નાઇમાં સદી કરી હતી. રેકોર્ડની વાત કરીએ તો સચિનની કાંગારુઓ સામે કુલ 11 સદી છે. કોહલીએ તેની 2પમી સદી 128 ઇનિંગ રમીને કરી છે. આથી તે સૌથી ઓછી ઇનિંગ રમીને 2પ સદી કરનારો ભારતીય બેટધર પણ બની ગયો છે. કોહલીની આ વર્ષે આ ટેસ્ટમાં છઠ્ઠી સદી છે જ્યારે વન ડેમાં પાંચ સદી કરી છે. 
આ સાથે કોહલીએ આ વર્ષે ટેસ્ટમાં 1000 રન પણ પૂરા કરી લીધા છે. તે સુકાની તરીકે એક વર્ષમાં સૌથી વધુ રન કરવાના મામલે બીજા સ્થાને આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાના બોબ સિમ્પસને 1964માં 9 મેચમાં 1018 રન કર્યા હતા. આ રેકોર્ડ આફ્રિકાના ગ્રીમ સ્મિથના નામે છે. તેણે 2008માં 11 મેચમાં કુલ 1212 રન કર્યા હતા.
કોહલીને શંકાસ્પદ રીતે આઉટ અપાયો
પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય સુકાની વિરાટ કોહલીને આઉટ આપવા પર સારો એવો વિવાદ શરૂ થયો છે. તે જ્યારે 123 રને રમી રહ્યો હતો ત્યારે કમિન્સના દડા પર પીટર હેન્સકોબે બીજી સ્લીપમાં તેનો કેચ લીધો હતો. રિપ્લેમાં જોવા મળ્યું કે દડો જમીનને સ્પર્શ કરીને હેન્ડસકોબના હાથમાં આવ્યો હતો. ફિલ્ડ અમ્પાયરે કોહલીને કેચ આઉટ જાહેર કર્યો. બાદમાં મામલો ત્રીજા અમ્પાયર પાસે પહોંચ્યો. રિપ્લેમાં દડો જમીનને અડીને હેન્ડસકોબના હાથમાં આવ્યો હોય તેવું સ્પષ્ટ નજરે પડતું હતું, આમ છતાં ત્રીજા અમ્પાયરે કોહલીને આઉટ જાહેર કર્યો હતો. બાદમાં કોમેન્ટેટરોએ આ મામલે સારી એવી ચર્ચા કરી હતી અને નિર્ણયની ટીકા કરી હતી.
સદી બાદ કોહલીનો ઇશારો: હું નહીં, મારું બેટ બોલે છે
ભારતીય સુકાની વિરાટ કોહલી તેની બેટિંગ ઉપરાંત તેના મેદાન પરના વિવિધ અંદાજ માટે પણ એટલો જાણીતો છે. આજે સદી કર્યા બાદ તેનો જશ્નનો અંદાજ નવો હતો. ઓસિ. વિરુદ્ધ છઠ્ઠી સદી ફટકાર્યા બાદ કોહલીએ તેની હેલ્મેટ ઉતારીને જમીન પર રાખી અને પછી પોતાના બેટ તરફ ઇશારો કરીને ગ્લોવ્ઝથી એવી સંજ્ઞા કરીને તે નહીં તેનું બેટ બોલે છે. કોહલીનો ઇશારો એવો હતો કે તેનું બેટ દરેક સવાલનો જવાબ આપે છે. કોહલી ઓસ્ટ્રેલિયા સામે પાછલી આઠ ઇનિંગથી 50નો આંકડો પાર કરી શક્યો ન હતો પણ આજે તેણે સદી ફટકારીને આ બાધા પાર કરી છે.           

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer