હોકીનું સરતાજ બેલ્જિયમ : વર્લ્ડ કપમાં ચૅમ્પિયન

હોકીનું સરતાજ બેલ્જિયમ : વર્લ્ડ કપમાં ચૅમ્પિયન
ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલૅન્ડસને 3-2 ગોલથી હરાવી પહેલીવાર ચેમ્પિયન: અૉસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને 8-1થી હાર આપી કાંસ્ય ચંદ્રક કબજે કર્યોં
ભુવનેશ્વર તા.16: હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમ ચેમ્પિયન થયું છે. આજે અહીંના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલા અતિ રોમાંચક ફાઇનલમાં બેલ્જિયમની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડસ સામે 3-2 ગોલથી ઐતિહાસિક જીત મેળવી છે. હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમ પહેલીવાર ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં નિર્ધારિત સમય સુધી બન્ને ટીમ ગોલરહિત રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી વિજેતાનો નિર્ણય લેવાયો હતો. જેમાં બેલ્જિયમની ટીમની 3-2 ગોલથી રોમાંચક જીત થઇ હતી. એક સમયે પેનલ્ટી શૂટઆઉટમાં પણ પાંચ-પાંચ શોટ બાદ બન્ને ટીમ 2-2ની બરાબરી પર હતી. આખરે સડન ડેથમાં બેલ્જિયમ 3-2થી જીત મેળવી હોકીની નવી સરતાજ ટીમ બની હતી. 
હોકી વર્લ્ડ કપના ઇતિહાસમાં ફકત ત્રણ વખત જ ફાઇનલમાં પેનલ્ટી શૂટ આઉટથી પરિણામ આવ્યું છે. જેમાં ત્રણેય વખત નેધરલેન્ડસની ટીમ રહી છે. 1973માં તે ભારતને શૂટઆઉટમાં હરાવીને ચેમ્પિયન બની હતી. જયારે 1994માં પાકિસ્તાન સામે હારી હતી. હવે આ વખતે બેલ્જિયમ સામે શૂટઆઉટમાં હાર સહન કરીને રનસઅર્પથી સંતોષ માનવો પડયો છે. 
આ પહેલા પાછલા બે વખતના વિજેતા ઓસ્ટ્રેલિયાએ ત્રીજા સ્થાન માટેના મેચમાં ઇંગ્લેન્ડ સામે 8-1 ગોલથી જોરદાર જીત મેળવીને કાંસ્ય ચંદ્રક કબજે કર્યોં હતો.
 

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer