શૅરબ્રોકરોએ 7 મુદ્દાની બજેટ માગણીઓની યાદી સેબીને સોંપી

તેઓ એસટીટી, ડીટીટીમાં રાહત અને એલટીસીજીની નાબૂદી ઈચ્છે છે 
મુંબઈ, તા. 16 : શૅરદલાલોએ એકાદ બે ફેરફારો સાથેની સાત મુદાની બજેટ ઈચ્છાઓની એક યાદી માર્કેટ્સ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને મોકલી છે.
તેમની કેટલીક મુખ્ય માગણીઓમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી)ને વ્યાજબી બનાવવી, લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (એલટીસીજી) ટેક્સમાંથી મુક્તિ અને ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (ડીટીટી)ને પાછો ખેંચવાનો સમાવેશ થાય છે. એસોસીએશન ઓફ નેશનલ એકસચેન્જીસ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (એએનએમઆઈ) અને બીએસઈ બ્રોકર્સ ફોરમે સેબીના ચેરમેન અજય ત્યાગીને બજેટનું આવેદનપત્ર મોકલ્યું છે અને તેમાં એવી વિનંતી કરવામાં આવી છે કે, નાણાં મંત્રાલયને મોકલવામાં આવનારી સેબીની ભલામણોમાં આનો સમાવેશ કરવામાં આવવો જોઈએ.
`અમે એમ કહેવા માગીએ છીએ કે, અમને અમારા સભ્યો તરફથી મળતાં સૂચનો અને માગણીઓની યાદી પર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવે છે' એમ એએનએમઆઈ અને બીએસઈના બ્રોકર્સ ફોરમે સેબીને લખી જણાવ્યું છે. બ્રોકરો એવો મત ધરાવે છે કે, વાયદા પર જે વધારાનો એસટીટી ચાર્જ લગાવવામાં આવે છે તેના પર પુનર્વિચાર થવો જોઈએ. જ્યારે વાયદાના કોન્ટ્રેક્ટનો અમલ થાય છે ત્યારે 0.125 ટકાના દરે વધારાનો એસટીટી ચાર્જ લગાવવામાં આવે છે.
બ્રોકરોની આ સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટોક એક્સચેન્જ સોદાઓને લાગુ પાડવામાં આવતી અધિકૃત લેવીઓની અવેજીમાં અન્ય વ્યવસ્થા કર્યા વિના એસટીટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે, ટેક્સ રિબેટ પાછી ખેંચી લેવામાં આવી છે અને જીએસટીને દાખલ કરી દેવામાં આવ્યો છે. અન્ય મુખ્ય માગણી ત્રણ વર્ષ કરતાં વધુ સમય માટે રખાયેલી સિક્યુરીટીઝ પર એલટીસીજી ટેક્સમાંથી મુક્તિ આપવાની છે. રસપ્રદ બાબત એ છે કે, 10 ટકા એલટીસીજી આ નાણાકીય વર્ષથી જ દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ એક વર્ષ કે તેનાથી વધુ સમય માટે રાખવામાં આવેલા શૅરોના વેચાણમાંથી મળેલો નફો વેરામાંથી મુક્ત હતો.
બ્રોકર્સ એસોસીએશને વધુમાં જણાવ્યું હતું કે, ડીટીટી લાદવાથી અવળી અસર થાય છે અને એટલે તેને પાછો ખેંચી લેવો જોઈએ. બ્રોકરોએ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 54ઇસી હેઠળ રોકાણની મર્યાદા વધારવી જોઈએ. જીએસટીમાંથી વ્યાજને મુક્તિ આપવી જોઈએ અને સ્ટોક એક્સચેન્જ સોદાઓ પરથી સ્ટેમ્પ ડ્યૂટી નાબૂદ કરવી જોઈએ વગેરે માગણીઓ પણ કરી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer