મોદીની સભા માટે કલ્યાણનું ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવાયું સુગંધિત

કલ્યાણ, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત જેમ-જેમ નજીક આવી રહી છે એમ કલ્યાણમાં ઘણા ફેરફાર થઈ રહ્યા છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાએ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર 24 કલાક માટે સુરક્ષા-કર્મચારીઓને ગોઠવી દીધા છે. ડમ્પિંગ નજીક જ્યાં નરેન્દ્ર મોદીની સભા યોજાવાની છે ત્યાં કેમિકલનો છંટકાવ થઈ રહ્યો છે જેથી દુર્ગંધ ન આવે. આમ, ડમ્પિંગ ગ્રાઉન્ડને સુગંધિત બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.
કલ્યાણ-ડોમ્બિવલીમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ વર્ષોથી માથાનો દુખાવો બની રહ્યું છે અને એમાં લગભગ દરરોજ આગ ફાટી નીકળે છે. એમાંથી છેલ્લાં ઘણાં વર્ષોથી એટલી ભયંકર દુર્ગંધ આવે છે કે લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. ડમ્પિંગ ગ્રાઉન્ડને અડીને આવેલા ગ્રાઉન્ડ પર જ નરેન્દ્ર મોદીની સભા યોજાવાની છે. જોકે એને લીધે પાલિકાના સત્તાવાળાઓ પણ તાણમાં છે. ડમ્પિંગ ગ્રાઉન્ડની ફરતે સુરક્ષા-કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે જેથી કોઈ આગ ન લગાડી શકે. એ માટે એક પ્રાઇવેટ કંપનીને કૉન્ટ્રૅક્ટ અપાયો છે. અગાઉ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કલ્યાણ આવ્યા હતા ત્યારે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ ચાંપી દેવામાં આવી હતી.
18 ડિસેમ્બરે કલ્યાણ-ભિવંડી-થાણે મેટ્રો રેલવેનું ભૂમિપૂજન કરવા માટે આવી રહેલા નરેન્દ્ર મોદીનું હેલિકૉપ્ટર ઉતારવા માટે ભિવંડીમાં જગ્યા નક્કી કરવામાં આવી છે અને એ માટે હેલિપૅડની તૈયારી થઈ રહી છે. ત્યાર બાદ નરેન્દ્ર મોદી કલ્યાણમાં સિડકોનાં 90,000 જેટલાં ઘરોની ગૃહનિર્માણ યોજનાનું ભૂમિપૂજન પણ 18 ડિસેમ્બરે જ કરશે. એ યોજના મહારાષ્ટ્ર માટે સૌથી મોટી યોજના છે અને એને ત્રણેક વર્ષમાં પૂરી કરવામાં આવશે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer