સુપ્રીમ કોર્ટ નિર્ણય પરત લઈ અવમાનની નોટિસ આપે : કૉંગ્રેસ

નવી દિલ્હી, તા.16 : રાફેલ સોદા પર નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવીને કોંગ્રેસે ફરી એક વખત હુમલો બોલાવ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે તે રાફેલ મામલા પર પોતાનો નિર્ણય પરત લે. 
પક્ષે એવી પણ માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટ મોદી સરકાર સામે સોગંદ લઈને ખોટી જુબાની આપવા અને અદાલતની અવમાનનાની નોટિસ પણ જારી કરે. પક્ષે એવો કટાક્ષ પણ કર્યો હતો કે પીએમ કુંભની ધાર્મિક યાત્રા પર જતા સમયે પણ જૂઠું બોલી રહ્યા છે, તેમણે ગંગામાં ડૂબકી લગાવીને પ્રાયશ્ચિત કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આજે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં રાફેલ પર ચાલી રહેલા હાલના વિવાદને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. પીએમે રાહુલ ગાંધી પર જૂઠું બોલવાનો આરોપ લગાવીને એમ કહ્યું હતું કે કોંગ્રેસ એ લોકોની સાથે ઊભેલી જણાય છે જે દેશને કમજોર કરવા માગે છે. તે પછી કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને પીએમને જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે રાફેલ વિમાનોની કિંમતોને લઈને સીએજી હેવાલ સંસદની પીએસી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનો દાવો કરીને સરકારે સંસદના બંને ગૃહોના વિશેષાધિકારનું હનન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધતાં શર્માએ કહ્યું કે તેઓ કુંભની ધાર્મિક યાત્રા વખતે પણ જૂઠું બોલી રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે મોદીએ પશ્ચાતાપ કરવો જોઈએ અને ગંગામાં ડૂબકી લગાવવી જોઈએ.
શર્માએ કહ્યું કે રાફેલ અંગે જે નિર્ણય આવ્યો છે તેમાં વિરોધાભાસ જણાય છે. સુપ્રીમ કોર્ટ આ અંગેનો યોગ્ય મંચ નથી. માત્ર જેપીસી જ તપાસ કરી શકે છે. સરકારે સર્વોચ્ચ અદાલતને ગેરમાર્ગે દોરી છે. સરકારે જે સુપ્રીમ કોર્ટને કહ્યું કે કિંમતોની વિગત સીએજીને આપવામાં આવી ચૂકી છે અને તે પછી સીએજીએ તપાસ કરીને તેને પીએસીને આપી છે તે વાત જ ખોટી છે.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer