રફાલ સોદાની જેપીસી તપાસ નકારતા જેટલી

કૉંગ્રેસ સુપ્રીમના ચુકાદાનો દુષ્પ્રચાર કરી રહ્યો હોવાનો નાણાપ્રધાનનો આક્ષેપ
નવી દિલ્હી, તા. 16: નાણામંત્રી અરુણ જેટલીએ રાફેલ મામલાને તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)માં મોકલવાની કોંગ્રેસની માગણીને નકારી છે. જેટલીએ કોંગ્રેસને `બેડ લુઝર્સ' ગણાવતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં ક્લીન ચિટ મળ્યા બાદ રાફેલ સોદા ઉપર કેગનો મત પ્રાસંગિક નથી. સંસદના શિયાળુ સત્રના શરૂઆતના ચાર દિવસ વિરોધ અને હોબાળાની ભેટ ચડયા છે. જેના ઉપર જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ સત્રના બાકી દિવસોમાં પણ રાફેલ ઉપર ચર્ચાને બદલે હંગામો કરવાનું પસંદ કરશે. 
`રાફેલ - જૂઠ ઓર અબ ફિર જૂઠ' શીષર્ક સાથેના ફેસબુક બ્લોગમાં જેટલીએ લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અંતિમ ચુકાદો અપાયા બાદ સોદાની યોગ્યતા સાબિત થઈ છે. કોર્ટે જે કંઈ કહ્યું છે તેના અલગ કોઈપણ બાબત મળી શકે તેમ નથી. સરકારે કોર્ટમાં તથ્યાત્મક વાત કરી હતી. રાફેલનો ઓડિટ રિવ્યુ કેગ પાસે ચાલી રહ્યો છે. આ રિપોર્ટ તૈયાર થવા બાદ પીએસી પાસે મોકલવામાં આવશે. આ તસવીર કોર્ટ સામે રજૂ કરી દેવામાં આવી છે. જો કે કોંગ્રેસ સત્યને સ્વીકારવા માગતો નથી અને હવે દુષ્પ્રચાર શરૂ કર્યો છે.
કોંગ્રેસ રાફેલ ડીલની જેપીસીમાં તપાસ થાય તેવી માગણી કરી રહ્યો છે. પક્ષનો આરોપ છે કે પૂર્વ યુપીએ સરકારે જે કિંમતમાં સોદા માટે વાતચીત કરી હતી. વર્તમાન સરકારે તેનાથી ખૂબ વધુ કિંમતમાં સોદો કર્યો છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીને ડીલમાં ઓફસેટ ભાગીદાર તરીકે પસંદ કેવી રીતે કરવામાં આવ્યા ? તેવો સવાલ પણ કરવામાં આવી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer