શિવસેનાના સંસદસભ્ય, નગરસેવક અને શાખાપ્રમુખને લાગી મ્હાડાના ફ્લૅટની લૉટરી

શિવસેનાના સંસદસભ્ય, નગરસેવક અને શાખાપ્રમુખને લાગી મ્હાડાના ફ્લૅટની લૉટરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મુંબઈમાં પોતાનાં ઘર મેળવવાનું 1384 જણનું સપનું `મ્હાડા'એ આજે સાકાર કર્યું છે. મુંબઈ વિભાગનાં ઘર માટેની લૉટરી આજે બાંદરામાં કાઢવામાં આવી હતી. `મ્હાડા'નાં 1384 ઘર માટે 1.64 લાખ લોકોએ અરજી કરી હતી.
આજે લૉટરીના ડ્રૉમાં પહેલો ફલૅટ અનીતા તાંબેને લાગ્યો હતો. `મ્હાડા'ની લૉટરીમાં શિવસેના નાશિકના સાંસદ હેમંત ગોડસે, નગરસેવક રામદાસ કાંબળે અને શાખાપ્રમુખ વિનોદ શિર્કે તેમ જ ભાજપના નગરસેવક અતુલ શાહ ભાગ્યશાળી નીવડયા છે.
હેમંત ગોડસેને લોઅર પરેલમાં `મ્હાડા'નું ઘર મળ્યું છે. એ ફ્લૅટની કિંમત 99 લાખ રૂપિયા છે. શિવસેનાના સાયન-પ્રતીક્ષાનગરના નગરસેવક રામદાસ કાંબળેને પવઈમાં તુંગા ખાતે ઊંચી આવક ધરાવનારાઓના વર્ગમાં ફ્લૅટ લાગ્યો છે. એઁ ઘરની કિંમત 99 લાખ રૂપિયા છે.
શિવસેનાના શાખાપ્રમુખ વિનોદ શિર્કેને કરોડો રૂપિયાની કિંમતના બે ફ્લૅટ લાગ્યા છે. આ ફ્લૅટ ગ્રાંટ રોડ (પશ્ચિમ)માં ખંભાલા હિલ સ્થિત ધવલગિરિ ઇમારતમાં છે. તઅમાં એક ફ્લૅટની કિંમત 5.80 કરોડ અને બીજાની કિંમત 4.99 કરોડ રૂપિયા છે. ભાવના શિર્કેએ જણાવ્યું હતું કે ગત 15 વર્ષથી `મ્હાડા'ના ઘર માટે અરજી કરતી હતી. હું આઇટી ઇજનેર છું. હાલ શૅરબજારનું કામ કરું છું એથી ઘર લેવાની ઇચ્છા હતી. આ પહેલાં કરોડ રૂપિયાની કિંમતના ઘરનો સમાવેશ લૉટરીમાં કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ઘર લેવાનું સપનું સાકાર થયું છે એમ ભાવના શિર્કેએ ઉમેર્યું હતું.
ભાજપના નગરસેવક અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અતુલ શાહને કાંદિવલી (પશ્ચિમ)માં મહાવીરનગરમાં ફ્લૅટની પ્રતીક્ષાયાદીમાં  સ્થાન મળ્યું છે. ફેબ્રુઆરી 2017માં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં અતુલ શાહ અને શિવસેનાના સુરેન્દ્ર બાગલકરને એકસમાન મત મળ્યા હતા એથી લૉટરી ખેંચવામાં આવતાં શાહને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. નગરસેવક પછી શાહને આ વખતે લૉટરીમાં ઘર મળ્યું છે. એ ઘરની કિંમત 40 લાખ રૂપિયા છે.
અતુલ શાહ હાલમાં તેમની માતા કુમુદબેન હસમુખલાલ શાહના નામના ભાડાના ઘરમાં રહે છે.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer