વિનોદ ખન્નાનાં પ્રથમ પત્ની ગીતાંજલિનું નિધન

વિનોદ ખન્નાનાં પ્રથમ પત્ની ગીતાંજલિનું નિધન
અમારા પ્રતિનિધિ તરફથી
અલીબાગ, તા. 16 : હિન્દી સિનેમાના સ્વર્ગીય અભિનેતા વિનોદ ખન્નાનાં પ્રથમ પત્ની ગીતાંજલિનું હાર્ટ-ઍટેક આવતાં શનિવારે મૃત્યુ થયું હતું. અલીબાગના માંડવા ખાતેના તેમના ફાર્મહાઉસમાં ગીતાંજલિએ છેલ્લો શ્વાસ લીધો હતો. આજે રવિવારે સવારે તેમના પાર્થિવ દેહને જિલ્લા હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયો હતો એ વખતે તેમના બન્ને અભિનેતા પુત્રો અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના હાજર હતા. ગયા વર્ષે વિનોદ ખન્ના અને આજે ગીતાંજલિનું નિધન થતાં અક્ષય અને રાહુલે માતા-પિતા બન્નેનું છત્ર ગુમાવ્યું છે.
તેઓ 70 વર્ષનાં હતાં. શનિવારે ગીતાંજલિ તેમના ઍક્ટરપુત્ર અક્ષય ખન્ના સાથે માંડવાના ફાર્મહાઉસ ગયાં હતાં. સાંજે તેમણે છાતીમાં દુખાવાની અને બેચેનીની ફરિયાદ કરી હતી. હૉસ્પિટલમાં સારવાર બાદ તેઓ ઘરે પાછાં ફર્યાં હતાં અને બેડરૂમમાં આરામ કરવા ગયાં હતાં. ત્યાર બાદ અક્ષય બહાર ગયો હતો. થોડી વાર બાદ તે પાછો મમ્મીની તબિયત તપાસવા બેડરૂમમાં ગયો ત્યારે તેની મમ્મી બેભાન હતી. ત્યાર બાદ તરત ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. અક્ષયના ભાઈ રાહુલને પણ મુંબઈથી માંડવા પહોંચવાની સૂચના આપવામાં આવી હતી.
ગીતાંજલિને અલીબાગની હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, પણ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યાં હતાં.
રવિવારે સવારે પોસ્ટમૉર્ટમ બાદ મૃતદેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે આમ તો મૃત્યુ કુદરતી લાગે છે, પણ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે સદ્ગતના વિસેરા સાચવી રાખવામાં આવ્યા છે. અમે રાહુલ ખન્નાનું સ્ટેટમેન્ટ લીધું છે અને એમાં અમને કાંઈ શંકાસ્પદ લાગ્યું નથી. ગીતાંજલિના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે અલીબાગમાં કરવામાં આવ્યા હતા.
વિનોદ ખન્નાએ 1985માં ગીતાંજલિને છૂટાછેડા આપ્યા હતા. 1990માં તેમણે કવિતા સાથે લગ્ન કર્યાં હતાં અને તેમનાથી એક દીકરો અને એક દીકરી છે. વિનોદ ખન્નાનું ગયા વર્ષે એપ્રિલમાં મૃત્યુ થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer