દેરાસરમાં પૂજારીએ ખાધો ફાંસો

દેરાસરમાં પૂજારીએ ખાધો ફાંસો
બોરીવલીના જૈન મંદિરમાં બની ઘટના : મંદિરમાં થયેલી ચોરી વિશે તેના પર શક હતો,
સુસાઈડ નોટમાં તેણે પોલીસસતામણીનું કારણ આપ્યું : પૂજારીના સમર્થનમાં શરૂ થઈ ઝુંબેશ
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 16 : બોરીવલી (પૂર્વ)માં દૌલતનગરમાં આવેલા જૈન દેરાસરમાં આજે વહેલી સવારે મંદિરના પૂજારીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતાં આખા વિસ્તારમાં ચકચાર પ્રસરી છે. કસ્તુરબા પોલીસે અત્યારે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો છે.  આ પૂજારી મગનસિંહ પરમારને આત્મહત્યા કરવા માટે મજબૂર કરાયો હતો કે કેમ તેની તપાસ પોલીસે આદરી છે.
63 વર્ષીય મગનસિંહ પરમાર છેલ્લાં 32 વર્ષથી આ દેરાસરમાં કામ કરતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દેરાસરમાંથી થયેલી મૂર્તિ અને અન્ય કેટલીક કીમતી ચીજવસ્તુઓની ચોરી અંગે મગનસિંહ પરમારની સતામણી કરવામાં આવતી હતી. પોલીસ દ્વારા વારંવાર બોલાવીને ધમકી આપવામાં આવતી હોવાથી કંટાળીને તેમણે મોત વહાલુ કર્યું હોવાનું કહેવાય છે.
પૂજારી અને અન્યો માટે કપડાં બદલવાનો ઓરડો આવેલો છે તેની બહાર તેમણે વહેલી સવારે આત્મહત્યા કરી હતી. દેરાસરમાં કેટલાક કર્મચારીઓએ તેમને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા પછી તત્કાળ તેમના પુત્રને ફોન કર્યો હતો. બાદમાં આ બનાવની જાણ પોલીસને કર્યા પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. બાદમાં તેને અંતિમવિધિ માટે તેમના વતન હિંમતનગર લઈ જવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેરાસરમાં ભગવાનની મૂર્તિ અને કીમતી ચીજો ગુમ થવા સંબંધે તેની પોલીસ દ્વારા થતી કથિત સતામણીથી કંટાળીને મગનસિંહ પરમારે આ અંતિમ પગલું ભર્યું છે. પોલીસને તેમના શર્ટના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં દેરાસરના વહીવટ સાથે સંકળાયેલા અમુક લોકોનાં નામ હોવાનું કહેવાય છે.
પરમાર પરિવાર સાથે બોરીવલી (પૂર્વ)માં રતન નગર પાસેની ચાલીમાં રહેતો હતો. તેણે તે ચાલીમાં આવેલી રૂમ ખરીદવા માટે 22 લાખ રૂપિયા ક્યાંથી મેળવ્યા એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવતો હતો. દૌલતનગર દેરાસરની બહાર આજે બપોરે કાર્યકરો ટેબલ નાખીને બેઠા હતા, તેઓ પરમાર માટે સમર્થન મેળવવાનો પ્રયત્ન કરતા હતા.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer