ઉદ્ધવ ઠાકરેના હસ્તે કોસ્ટલ રોડ પ્રકલ્પનું ખાતમુહૂર્ત

ઉદ્ધવ ઠાકરેના હસ્તે કોસ્ટલ રોડ પ્રકલ્પનું ખાતમુહૂર્ત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ તા. 16 : મુંબઈમાં કૉસ્ટલ રોડ બાંધવાના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનું આજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આમંત્રણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપવામાં નહીં આવ્યું હોવાનું કહેવાય છે તેથી ભાજપના વરિષ્ઠ નેતાઓના આદેશને લીધે પક્ષના નેતાઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.
દક્ષિણ મુંબઈમાં બ્રિચ કેન્ડી ખાતે અમરસન્સ ગાર્ડન ખાતે ઉદ્ધવ ઠાકરેએ કૉસ્ટલ રોડનું ભૂમિપૂજન કર્યું હતું ત્યારે તેમનાં પત્ની રશ્મિ ઠાકરે, યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે, મેયર વિશ્વનાથ મહાડેશ્વર, ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ અને શિવસેના સાંસદ અરવિંદ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કૉસ્ટલ રોડ એ મારું નહીં પણ મુંબઈગરાનું સપનું છે. તેનું શ્રેય મુંબઈગરાને જાય છે. આ પ્રકલ્પ માટે બધા પ્રકારની પરવાનગીઓ આપવા બદલ હું કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારનો આભાર માનું છું. આ પ્રકલ્પને લીધે કોળીભાઈઓનું નુકસાન થાય નહીં તેની તકેદારી અમે રાખશું એમ ઠાકરેએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer