વડા પ્રધાન બાદ બુધવારે અમિત શાહ મુંબઈ આવશે

વડા પ્રધાન બાદ બુધવારે અમિત શાહ મુંબઈ આવશે
મુંબઈ, તા. 17 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતી કાલ (મંગળવાર)ની મહારાષ્ટ્ર મુલાકાતના બીજા જ દિવસે એટલે કે બુધવારે ભાજપના પ્રમુખ અમિત શાહ મુંબઈ આવશે. તેઓ ભાજપના સાંસદો અને વિધાનસભ્યોની બેઠક યોજવાના હોઈ તેમાં આગામી ચૂંટણીઓ માટે શિવસેના સાથે યુતિ કરવી કે નહીં એ અંગે ચર્ચા કરાશે એવી શક્યતા છે.
ભાજપને ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જોરદાર ફટકો લાગ્યા બાદ લોકસભા ચૂંટણી માટે તે સજાગ બન્યો છે અને મહારાષ્ટ્રમાં તેવું કંઈ પણ બને નહીં તે માટેની તૈયારીમાં તે લાગ્યો છે.
અમિત શાહ મુંબઈ મુલાકાતમાં અનેક મુદ્દાની સમીક્ષા કરશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પક્ષને સફળતા મળવા છતાં કેટલાક અન્ય સ્તરે તેને ભારે ફટકો લાગ્યો હોવાથી રાજકીય યંત્રણા મજબૂત કરવા તરફ અમિત શાહ વધુ ધ્યાન આપશે.
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો હોઈ ભાજપ માટે તે ખૂબ જ મહત્ત્વની છે તેથી બુધવારની બેઠકમાં અમિત શાહ તેની રણનીતિ નક્કી કરશે એવી શક્યતા છે.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મંગળવારની મહારાષ્ટ્ર મુલાકાતના બીજા દિવસે અમિત શાહનું મુંબઈમાં આગમન અનેક રીતે સૂચક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer