વ્યાજદર વૃદ્ધિની સાઇકલ અટકી જવાની શક્યતાએ સોનામાં સુધારો

વ્યાજદર વૃદ્ધિની સાઇકલ અટકી જવાની શક્યતાએ સોનામાં સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 : વ્યાજદરમાં વધારાની અમેરિકાની નીતિ હવે અટકી શકે તેવી સંભાવના બુલિયન બજારને વર્તાવા લાગતા વૈશ્વિક સોનું ફરીથી ઉંચકાઇ ગયું હતું. ન્યૂ યોર્કમાં 1297 ડૉલર પ્રતિ ઔંસની ટોચ બન્યા પછી 1293ના મથાળે સોનું મક્કમ બોલાતું હતું. સરહદે દિવાલ બનાવવાના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ પાર્ટી વચ્ચે ઘર્ષણ વધતું જાય છે એ કારણે ડૉલર ઉપર દબાણ આવવાથી પણ સોનાના ભાવને ટેકો મળ્યો હતો.
ફેડની ડિસેમ્બર મહિનાની બેઠકની મિનિટસની જાહેરાત હવે ટૂંકમાં થવાની છે. તેના ઉપરથી વ્યાજદર અંગેના સંકેતો મળી શકશે. વિશ્લેષકો કહે છે, ફેડ દ્વારા વ્યાજદર અંગે અનિશ્ચિતતાભર્યા નિવેદનો થયા કરે છે તેના કારણે વ્યાજદર સ્થિર રહેશે કે વધશે તે નક્કી થતું નથી. બજાર એ કારણે અફડાતફડીના માહોલમાં છે. જોકે, બજાર હવે 1300 ડૉલર સુધી જવાની શક્યતા વધી ગઇ છે. 1270 ડૉલરની સપાટીએ સોનાને ટેકો મળે તેમ છે. 1300 વટાવીને સોનું ટકી રહે તો 1311 સુધી પણ આવી શકે છે.
રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 205ના સુધારામાં રૂા. 32,875 હતો. મુંબઈમાં રૂા. 240 વધીને રૂા. 32,215 હતો. ચાંદી ન્યૂ યોર્કમાં 15.70 ડૉલર રનિંગ હતી. સ્થાનિક ચાંદી કિલોએ રૂા. 200 વધી જતા રૂા. 39,250 હતી. મુંબઈમાં રૂા. 210 સુધરતા રૂા. 39,205 રહી હતી.
Published on: Fri, 11 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer