શૅરબજારો સાંકડી વધઘટ બાદ ઘટાડે બંધ થયાં

શૅરબજારો સાંકડી વધઘટ બાદ ઘટાડે બંધ થયાં
બૅન્કિંગ, ઓએમસી શૅર્સ તૂટયા
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : સ્થાનિક શૅરબજારમાં આજે શરૂઆતથી સાંકડી વધઘટ રહી હતી. બજારનો સૂચકાંક સતત ઘટાડે ફરતો રહ્યો હતો. અમેરિકામાં સુધારો અને જપાનના બજારના ઘટાડાના વિરુદ્ધ રાહ વચ્ચે ક્રૂડતેલ થોડું ઘટવા છતાં એનએસઈ નિફટી અગાઉના બંધથી 34 પૉઈન્ટ નીચે 10821.60ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈમાં સેન્સેક્ષ 106 પૉઈન્ટ ઘટીને 36106.50ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.1 ટકાનો મામૂલી ઘસારો હતો. આજના ટ્રેડમાં એકંદરે વલણ નકારાત્મક રહેવાથી નિફટીના મુખ્ય શૅરમાં 27 ઘટવા સામે 23 શૅર ઓછાવત્તા મામૂલી સુધાર સાથે બંધ હતા. જોકે, આઈશર મોટર્સ સટ્ટાકીય લેવાલીથી રૂા. 265 વધ્યો હતો. નિફટીના મુખ્ય સૂચકાંકમાં ખાનગી બૅન્ક ઈન્ડેક્સ ઘટાડે રહેવા સાથે આઈટી અને એફએમસીજી ઈન્ડેક્સ સ્થિર હતા. નોંધપાત્ર છે કે ગઈ કાલે 10860ની ટોચ પછી આજે 10859ની ટોચથી નિફટી ઘટીને 10801ના દૈનિક તળિયે ઊતર્યા પછી 10821 બંધ રહ્યો છે. ડૉલર સામે રૂપિયો 70.46 સ્થિર હોવા છતાં ક્રૂડતેલ અૉઈલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)માં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
આજે નિરસ ટ્રેડ અને સાંકડી વધઘટ પછી બજાર ઘટીને બંધ રહ્યું હોવાથી આવતી કાલે બજારમાં મોટા સુધારાની સંભાવના નથી. આજે ઘટતાં બજારે એમઍન્ડએમ રૂા. 7, બજાજ અૉટો રૂા. 28 અને તાતા મોટર્સ રૂા. 3 વધ્યા હતા. જ્યારે ટાઈટન રૂા. 14, એલઍન્ડટી રૂા. 7, યુપીએલ અને ઈન્ફોસીસ અનુક્રમે રૂા. 8 અને રૂા. 4 સુધર્યા હતા. વ્યક્તિગત શૅર્સમાં અગાઉ વિવાદમાં ઘેરાયેલી વક્રાંગીમાં પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી. કેન્દ્ર દ્વારા તપાસ થયા પછી કંપનીને કલીન ચિટ મળતા શૅર ઊછળ્યો છે.
આજના ઘટાડાની આગેવાની લેતા ખાનગી બૅન્કમાં ઈન્ડસઈન્ડ રૂા. 35, એક્સિસ બૅન્ક રૂા. 7 ઘટયા હતા. એચડીએફસી બૅન્ક રૂા. 8, બજાજ ફિનસર્વ રૂા. 29, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ગ્રાસીમમાં અનુક્રમે રૂા. 3 અને રૂા. 15નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આજે મારુતિ સુઝુકી સટ્ટાકીય દબાણે ટ્રેડના છેલ્લા કલાકમાં રૂા. 101 ઘટયો હતો. તેલ માર્કેટિંગ અગ્રણી એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી અને ઓએનજીસીમાં રૂા. 2થી રૂા. 6 સુધીનો ઘટાડો થયો હતો. મેટલ શૅરો પણ થોડા દબાણમાં બંધ રહ્યા હતા.
વિદેશી-એશિયન બજાર
અમેરિકા અને ચીનના પ્રતિનિધિમંડળે ટ્રેડ વૉર બાબતે ત્રણ દિવસની વાટાઘાટ પૂરી કરી છે. બીજી તરફ બ્રેક્ઝિટ મુદ્દે બ્રિટનના વડા પ્રધાનને રાજકીય આંચકાના અહેવાલથી વૈશ્વિક બજારમાં સાવચેતીનો સૂર પ્રવર્તે છે. આમ છતાં ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વૉર હળવી થવાના સારા સંકેતથી હૉંગકૉંગમાં હૅંગસૅંગ 59 પૉઈન્ટ સુધર્યો હતો. જોકે, જપાન-નિક્કીમાં 263 પૉઈન્ટનો ઘટાડો થયો હતો. શાંઘાઈ ઈન્ડેક્સ 9 પૉઈન્ટ ઘટયો હતો. જ્યારે ડાઉ જોન્સમાં 91 પૉઈન્ટ વધારો નોંધાયો છે. નાસ્દાક કોમ્પોઝિટ 60 પૉઈન્ટ સુધર્યો હતો.
Published on: Fri, 11 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer