રેમન્ડ ગ્રુપના પ્રમોટર ગૌતમ સિંઘાણિયાએ તમામ ગ્રુપ કંપનીઓના

રેમન્ડ ગ્રુપના પ્રમોટર ગૌતમ સિંઘાણિયાએ તમામ ગ્રુપ કંપનીઓના
ચૅરમૅનપદને છોડવાનો નિર્ણય જાહેર કર્યો 
 
કાલે સવારે મારું જો મૃત્યુ થાય તે એવી ટીમ મેં તૈયાર રાખી છે જે મારી કંપનીઓનો અસરકારક વહીવટ ચલાવવા માટે સક્ષમ હોય : ગૌતમ સિંઘાણિયા
 
કોલકાતા,  તા. 10 : રેમન્ડ ગ્રુપના પ્રમોટર અને ચૅરમૅન ગૌતમ હરિ સિંઘાણિયાએ તમામ ગ્રુપ કંપનીઓના ચૅરમૅનપદને છોડવાનો  અને કંપનીઓના તમામ રોજિંદા કામોથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેથી પ્રમોટર વિના કંપનીઓ સ્પર્ધાત્મક બની સફળ કામગીરી બજાવી શકે. 
સિંઘાણિયાએ જણાવ્યું હતું કે તેઓ આ અગાઉ એફએમસીજી કંપનીઓ અને રેમન્ડ એપરલ બિઝનેસથી બહાર નીકળી ગયા છે, હવે પછી જોકે, ફાઇલ્સ અને રિન્ગ પ્લસ એક્વા એ બે કંપનીઓ માટે તેમણે પ્રોફેશનલ ચૅરમૅનની શોધ શરૂ કરી છે અને હવે આગળ જતાં મુખ્ય કંપની રેમન્ડ લિ.ના ટૉચના હોદ્દા ઉપરથી દૂર થશે. 
રેમન્ડ લિ.ના ચૅરમૅનપદે હું કેટલા સમય સુધી રહીશ તેની મને ખબર નથી, મારી અમુક યોજના છે જેને હું હમણા કહેવા માગતો નથી. ગ્રુપની અન્ય તમામ મહત્ત્વની કંપનીઓના ચૅરમૅનપદે હું નથી. 
હું દરેક કંપનીઓ માટે સ્વતંત્ર વહીવટી માહોલ તૈયાર કરવા માગુ છું અને તે સાથે એ વાતની ખાતરી કરાવવા માગુ છું કે દરેક કંપનીઓના દૈનિક કામકાજથી પ્રમોટર્સ દૂર રહે, એમ તેમણે જણાવ્યું હતું. 
કાલે સવારે મારું જો મૃત્યુ થાય તે એવી ટીમ મેં તૈયાર રાખી છે જે મારી કંપનીઓનો અસરકારક વહીવટ ચલાવવા માટે સક્ષમ હોય, એમ ગૌતમ સિંઘાણિયાએ જણાવ્યું હતું. 
રેમન્ડ સ્વતંત્રરીતે અને સ્પર્ધાત્મક માહોલમાં કામ કરી શકે છે, એમ તેમણે વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું. ગ્રુપ કંપનીઓનું ચૅરમૅનપદ છોડયા બાદ તેઓ વ્યૂહ, નવા પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ, બજેટ, લક્ષ્ય નક્કી કરવા, વળતર અને બિઝનેસિસ માટે જનસંપર્કના કામો ઉપર ધ્યાન આપશે, એમ તેમણે જણાવ્યું હતું. 
Published on: Fri, 11 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer