પાંચ વર્ષમાં બે બેડરૂમના ફ્લૅટની સાઈઝ ઘટી

948 ચોરસ ફૂટના ફ્લૅટ હવે 707 ફૂટના બની ગયા છે
 
મુંબઈ, તા. 10 : એક રિયલ એસ્ટેટ  કન્સલટન્સી ફર્મના અહેવાલ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં ફ્લેટની સાઈઝમાં 25 ટકા જેટલો ઘટાડો થયો છે. વેચાણમાં વધારો થાય તે માટે ડૅવલપર્સએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. સંકલિત ઘરની માગણી વધુ હોવાથી ફ્લેટની સાઈઝ ઘટાડવામાં આવી છે. 
આ રિયલ એસ્ટેટ ફર્મના અહેવાલ મુજબ, 2014 માં પશ્ચિમના પરામાં જે બીલ્ડરો 948 ચોરસ ફૂટમાં બે બેડરૂમ-હૉલ-કિચન (બીએચકે) નો ફ્લેટ બનાવતા હતા તેઓ હવેના બિલ્ડિંગમાં 707 ચોરસ ફૂટની જગ્યામાં બે બીએચકેના ફ્લેટ બનાવે છે. જ્યારે થાણેમાં 2014માં બે બીએચકેના ફ્લેટ 1,004 ચોરસ ફૂટના બનતા હતા. જે હવે 786 ચોરસ ફુટમાં બને છે. નવી મુંબઈમાં બે બીએચકે અત્યારે 735 ચોરસ ફુટમાં બને છે. જે 2014 માં 857 ચોરસ ફુટમાં પહેલા બનતા હતા. 
રિયલ એસ્ટેટ કન્સલટન્સી ફર્મના એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટરે કહ્યું હતું કે, અત્યારે માર્કેટમાં પરવડે તેવા ઘરોની માગણી વધુ છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ પ્રકારના ઘરોની માગણી વધી છે. દક્ષિણ અને મધ્ય મુંબઈમાં એક અને બે બીએચકેના ઘરો વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. થોડાક વર્ષો પહેલા આ પ્રકારનું ચિત્ર જોવા મળતું નહોતું. જ્યારે શિવરી-વડાલાના પટ્ટામાં એક કરોડની અંદરના નાના ઘરો ઉપલબ્ધ છે. ખરીદદારોના બજેટમાં આવે એટલે ફ્લેટ નાના બનાવવામાં આવી રહ્યાં છે. આજના મોંઘવારીના સમયમાં ભાવ ઘટાડવા શક્ય નથી એટલે ફ્લેટની સાઈજ ઘટાડવામાં આવી છે.  
અહેવાલમાં સ્પષ્ટ કર્યું છે કે, 2018 માં ફરી પાછી તેજી આવ હતી પણ નૉન બૅન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (એનબીએફસી)ના ગોટાળાએ તેના પર પાણી ફેરવી દીધું હતું.
Published on: Fri, 11 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer