બૅન્કના નામે મોકલેલી લિન્ક ખોલતાવેંત જ મહિલાએ એકાઉન્ટમાંથી 1.16 લાખ ગુમાવ્યા

મુંબઈ, તા. 10 : દિંડોશી પોલીસે બોરીવલીમાં રહેતી એક મહિલાની ફરિયાદને પગલે અજ્ઞાત શખસ વિરુદ્ધ 1.16 લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. મહિલાને તેના મોબાઈલ પર એક લિન્ક આવી હતી જેને ખોલતાની સાથે જ તેના બૅન્ક એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા હતા. 
ફરિયાદી 64 વર્ષીય મહિલા સ્કુલમાં પ્રિન્સિપાલ છે. ચોથી જાન્યુઆરીએ તેને એક અજ્ઞાત શખસનો ફોન આવ્યો હતો. ફોન પર તેણે કહ્યું હતું કે, તે એક જાણીતી બૅન્કમાં કામ કરે છે અને કેવાઈસી ફોર્મ ભરવા માટે એક લિન્ક મોકલી છે. જેને ભરીને મોકલવાની રહેશે. 
મહિલાએ લિન્ક ખોલી પછી થોડાક સમય બાદ તેના મોબાઈલ પર 49,000 રૂપિયા, 49,000 રૂપિયા અને 18,000 રૂપિયાના ત્રણ ટ્રાન્ઝેક્શનમાં પૈસા ઉપાડયા હોવાનો મેસેજ આવ્યો હતો. આ રીતે મહિલાની સાથે 1.16 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. 
સાવચેતી રાખો...
  • અજાણી લિન્ક, મેસેજ, ઈમેલ અથવા સાઈટને ઓપન ન કરે
  • સાર્વજનિક સ્થળોએ આપવામાં આવેલી વાઈફાઈ સુવિધાનો ઉપયોગ ન કરવો
  • સમયાંતરે પોતાના પાસવર્ડ બદલતા રહેવા
  • એક પાસવર્ડનો બને તેટલો ઓછો પ્રયોગ કરો
  • એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે નિયમો અને શરતો બરાબર વાંચવી

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer