બેસ્ટની હડતાળનો અંત દેખાતો નથી, વાટાઘાટ ગઈ નિષ્ફળ

બેસ્ટની હડતાળનો અંત દેખાતો નથી, વાટાઘાટ ગઈ નિષ્ફળ
સમાધાન કરાવવાની જવાબદારી હવે રાજ્ય સરકાર પર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : આજે બેસ્ટની બસોની હડતાળનો અંત આણવા બેઠકનો દોર થયો હોવા છતાં કર્મચારીઓ તેમની માગણીઓ માટે લેખિત ખાતરી મેળવવા મક્કમ હોવાથી વાટાઘાટો સફળ થઈ નહોતી. આને પરિણામે આવતી કાલે પણ હડતાળ ચાલુ રહેશે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે બીડમાં ચૂંટણીપ્રવાસે ગયા હતા, પરંતુ આજે તેમના આગમનને લીધે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. સૌપ્રથમ બેસ્ટ મહાવ્યવસ્થાપક અને બેસ્ટ યુનિયનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી. ત્યાર બાદ મેયરના બંગલામાં કામદાર સંઘટનના પ્રતિનિધિઓ અને બેસ્ટના મહાવ્યવસ્થાપક તથા પાલિકાના કમિશનર વચ્ચે મીટિંગ યોજાઈ હતી. મેયરે બેસ્ટ ઍક્શન કમિટીને પણ વાતચીત માટે બોલાવી હતી. ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં હાજર રહ્યા હતા. યુનિયન લીડર શશાંક રાવે કહ્યું હતું કે હવે અમને પાલિકા પર ભરોસો રહ્યો નથી. અને અમે રાજ્ય સરકાર પર મીટ માંડી છે. મુંબઈગરાઓની હાલાકી જોઈને ઍડ્વોકેટ દત્તા માનેએ આજે બૉમ્બે હાઈ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. માનેએ અદાલતમાં એવી દાદ ચાહી છે કે હડતાળિયા કર્મચારીઓને તત્કાળ હાજર થવાનો આદેશ અપાય. હાઈ કોર્ટે આ અરજી દાખલ કરીને બેસ્ટ પ્રશાસન, મુંબઈ પાલિકા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. શુક્રવારે આ અરજી પર સુનાવણી થશે. અરજીમાં કર્મચારીની માગણીની તપાસ કરવા એક સમિતિની રચના કરવાની માગણી પણ કરાઈ છે.
 બેસ્ટ પ્રશાસને આજે ભોઈવાડા વસાહત ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કર્મચારીના કુટુંબની મહિલાઆએઁઁ આનો જોરદાર વિરોધ કર્યો હતો. 
દરમ્યાન બેસ્ટ કર્મચારીના પ્રતિનિધિમંડળે મનસેના પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી. રાજ ઠાકરેએ કર્મચારીઓને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. બેસ્ટ હડતાળના મુદ્દે નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer