ઈડલી, ઢોકળાં અને ઉપમા હવે ત્રણ વર્ષ સુધી ફ્રેશ રહેશે

ઈડલી, ઢોકળાં અને ઉપમા હવે ત્રણ વર્ષ સુધી ફ્રેશ રહેશે
મુંબઈ યુનિવર્સિટીના ભૌતિકશાત્ર વિભાગનાં પ્રાધ્યાપિકાનું સંશોધન
 
મુંબઈ, તા. 10 : સવારે બનાવેલાં ઈડલી, ઢોકળાં કે ઉપમા  જેવા નાસ્તા એ દિવસ સાંજે કે રાતે ખાવાનું કહેતાં નાક મચકોડનારાઓ માટે તાજાખબર છે. એક-બે દિવસ નહીં, પૂરેપરાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી આ પદાર્થ ટકી શકશે અને એના અસલ સ્વાદ મુજબ એ ખાઈ પણ શકાશે, એવી સાયન્ટિફિક પદ્ધતિ મુંબઈ યુનિવર્સિટીના ભૌતિકશાત્ર વિભાગનાં વડા વૈશાલી બાંબોલેએ શોધી કાઢી છે.
કુદરતી આપત્તિ વખતે બચાવ કાર્ય દરમિયાન લોકોને કયો ખોરાક કઈ રીતે પૂરો પાડવો એ મૂળ પ્રશ્ન લોકોના મનમાં ઉદ્ભવતો અને વધુમાં વધુ દિવસ ટકી શકે એવા ખોરાકની જરૂર હોય છે. એને ધ્યાનમાં રાખીને પ્રાધ્યાપિકા બાંબોલેએ ખાદ્યપદાર્થ 3 વર્ષથી વધુ સમય ટકી શકે એવાં પૅકેટ્સ બનાવ્યાં છે.
મુંબઈ યુનિવર્સિટીના ઈનોવેશન ઍન્ડ ઈન્ક્યુબેશન સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે બાંબોલેએ તેમના એ સંશોધન વિશે જણાવ્યું હતું. વૈશાલીબહેને કહ્યું કે હંમેશની પદ્ધતિથી તૈયાર કરાયેલા ખાદ્યપદાર્થ બની ગયા બાદ એને પૅકેટમાં ભરી એ પૅકેટ પર રેડિયેશન અને થર્મલ ટ્રીટમેન્ટ કરતા એ લગભગ ત્રણ વર્ષ સુધી ટકી શકે છે.
અત્યારે લોકોમાં `રેડી ટુ ઈટ'ની બોલબાલા હોવાથી વૈશાલીબહેનના નવા સંશોધનનો ઉપયોગ ખાદ્યપદાર્થો બચાવવા માટે અને વધુ સમય ટકાવી રાખવા માટે થઈ શકે. આવા ખાદ્યપદાર્થોનો ઉપયોગ લાંબી મુસાફરી કે બચાવકાર્ય દરમિયાન અથવા વિદેશ જતાં કરી શકાય. એ સંકલ્પના સાકાર કરવા દરમિયાન ખાદ્યપદાર્થનાં પૅકેટ પર માઈક્રોબાયોલૉજિકલ, કલર, ટેક્સચર, સેન્સરી એનેલિસિસ કરવામાં આવ્યું હતું અને એની પૌષ્ટિક ગુણવત્તા પણ વૈજ્ઞાનિકોએ ચકાસી હોવાનું વૈશાલીબહેને કહ્યું હતું.
હવે મોબાઈલનાં કવર તૈયાર કરી રહ્યાં છે
શરીર માટે હાનિકારક વધુ પડતાં રેડિયેશન અટકાવવા માટેનાં મોબાઈલ કવર પણ હવે વૈશાલીબહેન તૈયાર કરી રહ્યાં છે. તેઓ બનાવશે એ કવરમાંના મૅગ્નેટિક મટિરિયલને લીધે ફક્ત જરૂરી હોય એટલી જ મોબાઈલ ફ્રિક્વન્સી આકર્ષિત કરી શકાશે અને વધારાનાં રેડિયેશનને લીધે આરોગ્ય પર થનારી વિપરીત અસરને પણ ટાળી શકાશે, એવો દાવો વૈશાલીબહેને કર્યો છે. જોકે, એની પેટન્ટ મેળવવાના પ્રયત્ન તેઓ હાલમાં કરી રહ્યાં છે.
Published on: Fri, 11 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer