ચૂંટણી પહેલાં `નમો અગેન''નો `પતંગ'' ચગાવવાની તૈયારી

ચૂંટણી પહેલાં `નમો અગેન''નો `પતંગ'' ચગાવવાની તૈયારી
NaMo ઍપ પર `નમો અગેન' સૂત્ર સાથેનાં ટી-શર્ટ્સ, ટોપીનું વેચાણ ત્રણ માસમાં રૂા. પાંચ કરોડ ઉપર
 
નવી દિલ્હી, તા. 10 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ મોબાઈલ ઍપ્લિકેશન પરથી લગભગ ત્રણ મહિનામાં `નમો અગેન'ના સૂત્ર સાથેની પ્રોડક્ટ્સનું વેચાણ રૂા. પાંચ કરોડ થઈ ગયું છે. મોદીને બીજી વખત વડા પ્રધાન બનાવવાના બ્રાન્ડિંગના ભાગરૂપે આવી પ્રોડક્ટ્સનાં 15.75 લાખ યુનિટ્સ વેચાઈ ગયાં છે.
ભાજપના અંદાજ મુજબ લોકસભા ચૂંટણી નજીક આવશે તેમ `નમો અગેન' સૂત્ર સાથેની પ્રોડક્ટ્સનું વેચાણ વેગ પકડશે. ખાસ કરીને ભાજપની પ્રાદેશિક અૉફિસો અને દેશભરના કાર્યકરો તરફથી આવી પ્રોડક્ટ્સની ભારે માગ છે. ગયા મહિને સત્તાવાર નમો મર્ચેન્ડાઈઝ અગ્રણી ઈ-કૉમર્સ પ્લેટફોર્મ્સ, પેટીએમ અને એમેઝોન પર પણ ઉપલબ્ધ બનાવાયા હતા. મળેલી માહિતી મુજબ સૌથી વધુ વેચાણ ટી-શર્ટ્સનું થયું છે અને નમો મર્ચેન્ડાઈઝના કુલ વેચાણમાં તેનો હિસ્સો લગભગ 50 ટકા છે.
ઉલ્લખેનીય છે કે ભાજપના સંસદસભ્યોએ `હૂડી ચેલેન્જ' શરૂ કરી છે. જેના ભાગરૂપે તેઓ એકબીજાને તેમ જ યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણી જેવા ભાજપના મુખ્ય પ્રધાનોને `નમો અગેન' મર્ચેન્ડાઈઝ ખરીદીને પહેરવાનું જણાવી રહ્યા છે. ભાજપના હિમાચલ પ્રદેશના સંસદસભ્ય અનુરાગ ઠાકુર અને સામાજિક ન્યાયપ્રધાન  ટી. સી. ગેહલોતે નમો ઍપ પરથી રૂા. 499માં ખરીદેલી નવી લોન્ચ કરાયેલી હૂડી સાથેના ફોટા ટ્વીટર પર મૂક્યા છે. 
ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં નમો ટી-શર્ટ્સ અને હૂડીનું વેચાણ રૂા. 2.64 કરોડે પહોંચ્યું છે. ટોપીઓનું વેચાણ રૂા. 56 લાખ, કી-ચેઈનનું વેચાણ રૂા. 43 લાખ, કૉફી મગનું રૂા. 37 લાખ, નોટબુકનું રૂા. 32 લાખ અને પેનનું વેચાણ રૂા. 38 લાખ થયું છે. નમો મર્ચેન્ડાઈઝનું વેચાણ નમો ઍપ, પેટીએમ અને એમેઝોન જેવાં ઈ-કૉમર્સ પ્લેટફોર્મ્સ અને ભાજપની પ્રાદેશિક અૉફિસોના બલ્ક અૉર્ડર દ્વારા થઈ રહ્યું છે. પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું કે `500-100 ટી-શર્ટ્સના બલ્ક અૉર્ડર માટે ડિસ્કાઉન્ટેડ રેટ અૉફર કરવામાં આવી રહ્યો છે.' બે રાજ્યના ભાજપ અધ્યક્ષોએ કાર્યકરોમાં નમો મર્ચેન્ડાઈઝની ભારે માગ હોવાથી રાજ્યના એકમ દ્વારા બલ્ક અૉર્ડરની વિચારણા થઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે `ચૂંટણી નજીક છે ત્યારે ભાજપની અૉફિસમાં દરેક વ્યક્તિ આવા મર્ચેન્ડાઈઝ ખરીદીને પહેરે એવું અમે ઇચ્છીએ છીએ.' ભાજપ પ્રાદેશિક અને સ્થાનિક ઇવેન્ટ્સમાં પણ આ મર્ચેન્ડાઈઝનું વેચાણ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી સત્તાવાર ઍપ 50 લાખ ડાઉનલોડ સાથે ઘણી પ્રચલિત છે. મોદીની ઍપ પર જે ઓનલાઈન પ્લેટફોર્મ મર્ચેન્ડાઈઝનું વેચાણ કરે છે તે `ફ્લાયકોટ' તરીકે ઓળખાય છે. તેની પાસે ભાજપની માલિકીના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સનો ઉપયોગ કરી આ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટેનું લાઈસન્સ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer