નાના વ્યાપારીઓ માટે જીએસટીમાંથી મુક્તિમર્યાદા બમણી કરાઈ

નાના વ્યાપારીઓ માટે જીએસટીમાંથી મુક્તિમર્યાદા બમણી કરાઈ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 10 : નાના ધંધાર્થીઓને રાહત આપવા માટે જીએસટી કાઉન્સિલે ગુરુવારે ઈશાન રાજ્યોના ધંધાર્થીઓ માટે જીએસટીની મુક્તિમર્યાદા બમણી કરીને 20 લાખ કરી હતી જ્યારે બાકીના ભારતમાં તેઓ માટેની આ મુક્તિમર્યાદા 40 લાખ કરી હતી.
નવી દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પત્રકારો સમક્ષ બોલતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જીએસટી કૉમ્પોઝિશન સ્કીમના સ્કોપ કે જે હેઠળ નાના વેપારગૃહો વૅલ્યૂ એડિશનને બદલે ટર્નઓવર પર આધારિત નજીવો ટૅક્સ ચૂકવે છે તે એક કરોડથી રૂપિયા 1.5 કરોડ સુધી વધારાયો છે. જેટલીએ જણાવ્યું હતું કે આ બેવડાં પગલાંથી માઇક્રો, સ્મોલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસીસ (એમએસએમઈએલ)ને રાહત મળશે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે આ ફેરફારો આ વર્ષની 1 એપ્રિલથી અમલી બનશે. જેઓ કૉમ્પોઝિશન સ્કીમ હેઠળ આવી જાય છે તેઓ ત્રિમાસિક ધોરણે ટૅક્સ ચૂકવશે, પરંતુ રિટર્ન વર્ષમાં એક જ વાર ફાઇલ કરવાના રહેશે.
જેટલીએ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ જીએસટી દરો પર વિચારણા કરવા સમિતિની રચના કરવામાં આવી છે. કાઉન્સિલે કેરળ સરકારને બે વર્ષ માટે આંતરરાજ્ય વેચાણો પર એક ટકાની સેસ લાદવાની છૂટ આપી છે. નાણાં મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી 20 લાખ જેટલી કંપનીઓને ફાયદો થશે. હાલ વાર્ષિક 20 લાખની ટર્નઓવર ધરાવતી કંપનીઓને જીએસટી માટેનાં રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ અપાયેલી છે.
Published on: Fri, 11 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer