સીબીઆઇના ડિરેક્ટરપદેથી આલોક વર્મા પદભ્રષ્ટ

સીબીઆઇના ડિરેક્ટરપદેથી આલોક વર્મા પદભ્રષ્ટ
એજન્સીના ઇતિહાસમાં વડા સામે પ્રથમ વાર આવું આકરું પગલું
 
પસંદગી સમિતિએ 2-1 મતે કર્યો ફેંસલો : ફાયર સર્વિસના ડીજી તરીકે કરાઈ નિમણૂક 
 
નવી દિલ્હી, તા. 10: સીબીઆઈના વડા આલોક વર્મા અને તેમના ડેપ્યુટી રાકેશ અસ્થાના વચ્ચેના તીવ્ર બનેલા કલહના પગલે કાનૂની કારવાઈઓ સહિતના ચકચારભર્યા ઘમાસાણના અંતે વર્માને આજે તેમના પદેથી દૂર કરવામાં આવ્યા છે. તેમના ભાવિ વિશે ફેંસલો કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ઉચ્ચ સત્તાધારી પસંદગી સમિતિની આજની બે કલાક ચાલેલી બેઠક બાદ આ પગલું લેવાયું હતું. એજન્સીના ઈતિહાસમાં આવું આકરું પગલું લેવાયું હોય તેવા તેઓ પ્રથમ સીબીઆઈ વડા છે. ડિરેકટર પદે તેમની મુદત આગામી તા. 31મીએ પૂર્ણ થવામાં હતી. સમિતિની આજની આ બેઠકમા પીએમ ઉપરાંત લોકસભામાંના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ નિયુકત કરેલા જસ્ટીસ એ.કે. સિકરી ઉપસ્થિત હતા. લાંબી રજા પર મોકલી દેવાયા ઉપરાંત પોતાની સત્તાઓ છીનવી લેવાના સરકારના પગલાને પડકારતી સર્વોચ્ચ અદાલતમાંની અરજી પરથી વર્માને સીબીઆઈ વડાપદે બહાલ કરતો ચુકાદો અદાલતે મંગળવારે આપ્યો હતો. ચુકાદા બાદ વર્માએ આજે 77 દિવસ બાદ કાર્યભાર સંભાળવા સાથે વર્માએ, તેમના સ્થાને વચગાળાના વડા બનાવાયેલા એમ. નાગેશ્વર રાવે અનેક અફસરોની કરેલી બદલીઓ રદ કરવાનો આદેશ દિવસ દરમિયાન આપ્યો હતો, પરંતુ ઉકત સમિતિની બેઠક બાદ મોડી સાંજે ખુદ વર્માને જ સીબીઆઈ વડા પદેથી હઠાવી દેવાયા સાથે આ પ્રકરણમાં ઘેરો વળાંક આવ્યો છે. વર્માની હવે ફાયર સર્વિસીસના ડીજી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
'79ની બેચના એજીએમયુટી કેડરના આઈપીએસ અધિકારી વર્માને ભ્રષ્ટાચારના અને ફરજચૂકના આરોપસર દૂર કરાયાનું અધિકારીઓને ટાંકી સમાચાર એજન્સી જણાવે છે.
બેઠકમાં ખડગે, પીએમ મોદી અને જસ્ટીસ સિકરી સાથે અસહમત થયાનું જણાતું હતું અને તેમણે કેટલાક વાંધા ય ઉઠાવ્યા હતા. તે છતાં સમિતિએ 2-1થી આ નિર્ણય કર્યો હતે. સમિતિની આજની બેઠક દ્વિતીય હતી, બુધવારની પ્રથમ બેઠક અધૂરી રહી હતી. 
Published on: Fri, 11 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer