પાલિકાની હૉસ્પિટલો, સફાઈ-પાણી ખાતાના કામદારો હડતાળમાં જોડાશે

પાલિકાની હૉસ્પિટલો, સફાઈ-પાણી ખાતાના કામદારો હડતાળમાં જોડાશે
બેસ્ટ : આજે હાઈ કોર્ટમાં સમાધાન નહીં થાય તો
મુંબઈ, તા. 11 : શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ગુરુવારે સાત કલાક ચર્ચા થયા પછી પણ `બેસ્ટ' હડતાળનો અંત નહીં આવતાં આજે પણ હડતાળ ચાલુ છે. જ્યારે આજે બેસ્ટ હડતાળ સંદર્ભમાં હાઈ કોર્ટમાં કરવામાં આવેલી અરજીની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જો તેમાં હડતાળનું કોઈ સમાધાન નહીં થાય તો શનિવારથી પાલિકાની હૉસ્પિટલો, સફાઈ કામદારો, મળનિ:સારણ વિભાગ, પાણી ખાતાના કર્મચારીઓ હડતાળ પર ઊતરશે એવી ચેતવણી યુનિયન નેતાએ આપી છે. દરમિયાન શહેરના કેટલાક નાગરિકોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી હડતાળનો તાત્કાલિક અંત લાવવા મધ્યસ્થી કરવાની અપીલ કરી છે.
આજે હડતાળના ચોથા દિવસે એક પણ બસ ડેપોમાંથી બહાર પડી નથી તેને લઈ મુંબઈગરાઓને ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી `બેસ્ટ' બસો દોડતી નહીં હોવાથી મુંબઈગરાઓએ રિક્ષા, ટેક્સીની સેવા લીધી છે. તેને લઈ રિક્ષા - ટેક્સીવાળા પણ તેઓ પાસેથી મનફાવે એટલું ભાડું વસૂલ કરવાની ફરિયાદ ઊઠી છે.
નવી મુંબઈ સહિત શહેરનાં આઈટી હબ, બીપીઓ, કૉર્પોરેટ કંપનીઓ સહિત અન્ય સરકારી-ખાનગી સંસ્થાઓના કર્મચારીઓ ઓલા, ઉબરને કામધંધાના સ્થાને પહોંચવા માટે રોકતાં હોવાથી આ વાહનો મળવા મુશ્કેલ બન્યાં છે. `બેસ્ટ' બસોનાં સ્ટૉપ પાસે ઊભા રહીને હજારો મુંબઈગરા ટેક્સી, રિક્ષાની પ્રતીક્ષા કરતા જોવામાં આવી રહ્યા છે. સરકારે સ્કૂલ બસમાં પ્રવાસ કરવાની છૂટ આપી હોવા છતાં સ્કૂલ બસનાં સંગઠનોએ તેનો વિરોધ કરતાં આ બસો હડતાળના સમયે ઉપયોગમાં લઈ શકાઇ નથી.
મધ્ય રેલવેએ ગુરુવારે પણ થાણે-સીએસએમટી, સીએસએમટી - કલ્યાણ અને હાર્બર માર્ગે પણ વાશી-સીએસએમટી, સીએસએમટી - પનવેલ, વાશી - સીએસએમટી માર્ગ પર વધારાની લોકલો દોડાવી છે પણ પશ્ચિમ રેલવેએ એક પણ વધારાની લોકલ નહીં દોડાવતાં ત્યાંના ઉતારુઓને કોઈ રાહત મળી નથી. ટ્વીટર પર મંગળવારથી હજારો ઉતારુઓએ `હેશટેગ બેસ્ટ સ્ટ્રાઈક', `હૅશટેગ મુંબઈ', `હૅશટેગ ટ્રાફિક' દ્વારા હડતાળથી થતા ત્રાસનું વર્ણન કર્યું છે. જ્યારે કેટલાકે શિવસેનાની બેવડી ભૂમિકાની પણ ટીકા કરી છે. `બેસ્ટ' સેવા વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી શિવસેનાની છે એટલે તેમાંથી ભાગી છૂટવું ભૂલભરેલું છે એમ અનેકોએ ટ્વીટમાં જણાવ્યું છે.
જ્યારે પાલિકા આયુક્ત અજોય મહેતાએ બેસ્ટને પાલિકાના બજેટ સાથે સાંકળી લેવાનો ફરી એક વાર ઇનકાર કર્યો છે. જ્યારે યુનિયન નેતા શશાંક રાવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બન્ને પક્ષોને માન્ય હોય એવી કોઈ ફોર્મ્યુલા સાથે આગળ આવવા જણાવ્યું છે.
દરમિયાન હડતાળ પરના કર્મચારીઓ વિરુદ્ધ બેસ્ટ તંત્રે `મેસ્મા' કાયદા અંતર્ગત કોલાબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે જેમાં કામગાર સંગઠનના પદાધિકારી- કામગારોનાં નામનો પણ ઉલ્લેખ છે. છેલ્લા ત્રણ દિવસમાં `બેસ્ટ'ને નવ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Published on: Fri, 11 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer