દાદા કોંડકેના રેકર્ડની બરોબરી કરશે રોહિત શેટ્ટી

દાદા કોંડકેના રેકર્ડની બરોબરી કરશે રોહિત શેટ્ટી
એક સમયે હિન્દી ફિલ્મોદ્યોગમાં ફિલ્મ 25 સપ્તાહ સુધી ચાલે તો સિલ્વર જયુબિલી હિટ ગણાતી. પચાસ સપ્તાહ સુધી ચાલનારી ફિલ્મ સુપરહિટ અને તેથી વધારે ચાલતી ફિલ્મ બ્લોકબસ્ટર કહેવાતી. જ્યારે આજે આ માપદંડ બદલાયા છે અને રૂા. 100 કરોડ, રૂા.500 કરોડની કલબ જેવા માપદંડ અસ્તિત્વમાં આવ્યા છે. ફિલ્મમેકર રોહિત શેટ્ટીની આઠ ફિલ્મો રૂા. 100 કરોડની કલબમાં પ્રવેશી છે અને તે સાથે જ નવ સિલ્વર જયુબિલી મરાઠી ફિલ્મોની બરોબરી કરવાની નિકટ પહોંચી ગયો છે. મરાઠી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક દાદા કોંડકેની લગાતાર નવ ફિલ્મોએ સિલ્વર જયુબિલી કરી હોવાથી તેમનું નામ ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકર્ડ્સમાં નોંધાયું છે. જો રોહિતની હવે પછીની ફિલ્મ રૂા. 100 કરોડની કલબમાં પહોંચશે તો તેઓ દાદાના વિક્રમની બરોબરી કરશે. 
રોહિતની બધી જ ફિલ્મોએ રૂા. 100 કરોડ કરતાં વધુનો બિઝનેસ કર્યો છે. આમાંથી સૌથી ખરાબ ફિલ્મ હતી દિલવાલે. શાહરુખ ખાન અને કાજોલ અભિનિત આ ફિલ્મ અપેક્ષિત પરિણામ આપી શકી નહોતી. દાદાની ફિલ્મોની જેમ જ સામાન્ય લોકોને રોહિતની ફિલ્મો ગમે છે. આ ફિલ્મમેકરનો હેતુ પણ લોકરંજક ફિલ્મો બનાવવાનો જ હોય છે. આથી જ તે એક પછી એક હિટ ફિલ્મો આપી શકયો છે. 
રોહિતની આગામી ફિલ્મ ભૂતપૂર્વ એટીએસ (એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડ) વડા રઘુવંશીના જીવન પર આધારિત ફિલ્મ સૂર્યવંશી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અક્ષયકુમાર ભજવે છે અને નિર્માતા કરણ જોહર છે.
Published on: Sat, 12 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer