એશિયામાં સુધારા છતાં સ્થાનિકમાં નિફટી 27 પૉઈન્ટ ઘટાડે 10795

એશિયામાં સુધારા છતાં સ્થાનિકમાં નિફટી 27 પૉઈન્ટ ઘટાડે 10795
ઔદ્યોગિક, સિમેન્ટ અને વાહન શૅરોમાં વેચવાલી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : એશિયન બજારના સુધારાને અવગણીને સ્થાનિક શૅરબજારમાં આજે વેચવાલી વધવાથી એનએસઈ ખાતે નિફટી ટ્રેડિંગના અંતે 27 પૉઈન્ટના ઘટાડે 10795 બંધ રહ્યો હતો. ડૉલર સામે રૂપિયા અને ક્રૂડતેલમાં ધીમો સુધારો થવા સાથે ક્ષેત્રવાર શૅરમાં લેવાલી-વેચવાલી રહી હતી. ટેક શૅર સુધારવા સામે મુખ્ય ઔદ્યોગિક શૅરો અને વાહન સાથે મેટલ કંપનીમાં વેચવાલી વધી છે. ટેક્નૉલૉજી શૅરોમાં અગ્રણી ટીસીએસમાં 2 ટકાનો ઘટાડો નોંધનીય હતો. ક્રૂડતેલ બેરલ દીઠ 62 નજીક અને રૂપિયો 70.41 કવોટ થવાથી નિફટી શરૂઆતના ટ્રેડમાં થોડો સુધારે 10834 ખૂલીને 10850 થયા પછી સટ્ટાકીય નફાતારવણી વધવાથી એક તબક્કે ઘટીને 10739 થઈને આખરે 27 પૉઈન્ટ ઘટાડે 10795 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 97 પૉઈન્ટ ઘટીને 36010 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્ષ 0.13 અને સ્મોલકેપ 0.19 ટકા દબાણમાં હતા. આજે ઈન્ફોસીસના પરિણામ ચકાસ્યા પછી અગ્રણી ટેક્નૉલૉજી ક્ષેત્રના શૅરોમાં નવો ટ્રેન્ડ આવશે. નિફટીના અગ્રણી શૅરમાં 31 ઘટવા સામે 18 સુધારે અને 1નો ભાવ સ્થિર હતો.
વ્યક્તિગત શૅરમાં આઈટીસી વર્ષની ઊંચાઈ રૂા. 295 કવોટ થયો હતો. એવરેડીના માલિક બી. એમ. ખૈતાને પોતાની મુખ્ય કંપની વેચાણનો નિર્ણય કરવાના અહેવાલથી શૅર 13 ટકા ઉછળ્યો હતો, જ્યારે દવા કંપની બાયોકોનમાં 1 ટકાનો વધારો થયો હતો.
આજના ટ્રેડના ઘસારામાં ઘટાડાની આગેવાની લેતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 9, અલ્ટ્રાટેક રૂા. 71, એલએન્ડટી રૂા. 23, ગ્રાસીમ રૂા. 6, ટિસ્કો રૂા. 6, આઈશર મોટર્સ રૂા. 48, મારુતિ રૂા. 71, હીરો મોટર રૂા. 20, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 50, ગેઈલ રૂા. 5 અને ટીસીએસમાં સૌથી વધુ રૂા. 46નો ઘટાડો નોંધાયો હતો. આજે ઘટાડા છતાં તેલ માર્કેટિંગ કંપનીમાં સટ્ટાકીય વેચવાલી કપાવાથી બીપીસીએલ રૂા. 2 સુધર્યો હતો, જ્યારે એચસીએલ ટેક રૂા. 4, ટેક મહિન્દ્રા રૂા. 5, એચડીએફસી રૂા. 11, આઈટીસી રૂા. 6, એચડીએફસી બૅન્ક રૂા. 3, કોટક બૅન્ક રૂા. 4 અને એશિયન પેઈન્ટ રૂા. 7, જ્યારે વિપ્રો અને ઈન્ફોસીસ અનુક્રમે રૂા. 3 અને રૂા. 4 વધ્યા હતા.
એનલિસ્ટોના અનુમાન પ્રમાણે સુધારા માટે 10852 અને 10900 મુખ્ય રેસિસ્ટન્ટ લેવલ ગણાય. જોકે, પરિણામની મોસમને લીધે ગણતરીપૂર્વકના શૅર સ્પેસિફિક ટ્રેન્ડ પ્રમાણે ટ્રેડિંગ હિતાવહ રહેશે. રોકાણ માટે ઘટાડાની રાહ જોવી.
એશિયન બજાર
ચીન અમેરિકાની ટ્રેડ વાટાઘાટ સૂશાર આગળ વધતી હોવા સાથે ફેડ રિઝર્વે વ્યાજદર વધારવા ઉતાવળ નહીં હોવાનું જણાવતા એશિયન બજાર સુધારે હતા. એશિયા-પેસિફિક એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્ષ 0.29 ટકા સુધરી ડિસેમ્બર પછીના ઊંચા સ્તરે, જ્યારે જપાન ખાતે નિક્કી બીજા દિવસે પણ 0.97 ટકા સુધર્યો હતો. શાંઘાઈ કમ્પોઝિટ 0.56 ટકા વધ્યો છે.
Published on: Sat, 12 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer