બેસ્ટની હડતાળને અન્ય કામદાર સંગઠનોનો પણ ટેકો

સરકારી સમિતિની પહેલી બેઠક નિષ્ફળ, સ્ટ્રાઈક જલદી સમેટાવાનાં ચિહ્નો દેખાતાં નથી
 
મુંબઈ, તા.11 : બેસ્ટના કર્મચારીઓની હડતાળ શુક્રવારે  ચોથા દિવસે પણ ચાલુ રહી હતી અને બેસ્ટના ઇતિહાસમાં કર્મચારીઓની અત્યાર સુધીની આ સૌથી લાંબી આ હડતાળનો નિવેડો આજકાલમાં આવે એવું નથી લાગતું. આજે પાલિકા, ગોદી અને પાલિકા સંચાલિત હૉસ્પિટલોના વિવિધ કામદાર સંગઠનોએ પણ આ હડતાળને ટેકો જાહેર કર્યો હતો. આ ઉપરાંત બેસ્ટના કર્મચારીઓની માગણીઓ વિશે સમાધાન માટે ત્રણ સભ્યોની સમિતિ નિમવામાં આવી હોવાની માહિતી રાજ્ય સરકાર તરફથી બૉમ્બે હાઇ કોર્ટને આપવામાં આવી હતી.
આ સરકારી સમિતિમાં રાજ્યના મુખ્ય સચિવ, તેમ જ પરિવહન વિભાગ અને નગર વિકાસ વિભાગના સચિવનો સમાવેશ કરાયાનું જણાવાયું હતું. 
નવા વેતન કરાર અને કનિષ્ઠ શ્રેણીના પ્રશ્નોનો નિવેડો લાવવાની મુખ્ય માગણીઓ સાથે બેસ્ટના 32 હજાર કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હોવાથી 3700 જેટલી બેસ્ટની બસના પૈડાં થંભી જતાં પચાસ લાખ મુંબઈગરાઓ છેલ્લા ચાર દિવસથી શહેરમાં મુસાફરી સંબંધી હાલાકી ભોગવી રહ્યા છે. રાજ્ય સરકારે મેસ્મા લાગુ કર્યો છતાં કર્મચારીઓ હડતાળ સમેટવા તૈયાર નથી. ઍડ્વોકેટ દત્તા માનેએ આ હડતાળના વિરોધમાં બૉમ્બે હાઇ કોર્ટમાં અરજી કરી છે.
હાઈ કોર્ટમાં આજે આ કેસની સુનાવણીમાં બેસ્ટ અને સરકારે હડતાળને ગેરકાયદે હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે મુંબઈગરાઓને પ્રવાસ સંબંધી હાલાકીમાંથી રાહત માટે શું પ્રયાસ કરાયો છે? કોર્ટે બેસ્ટ કર્મચારી યુનિયનના નેતાઓને પણ કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો.
બપોર બાદ હાઇ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ત્યારે સરકારે માહિતી આપી હતી કે બેસ્ટના કર્મચારીઓની માગણીઓ સંદર્ભે વિચારણા માટે ત્રણ સભ્યોની સમિતિ નિમવામાં આવી છે અને સાંજ સુધીમાં આ સમિતિની બેઠક થશે. જોકે બપોર બાદ આ સમિતિની બેઠકમાં કોઇ સમાધાન થયું નહોતું તેથી હડતાળ આવતી કાલે પણ ચાલુ રહેશે એ લગભગ પાકું થયું છે. 
સરકારે મેસ્મા લાગુ કર્યા બાદ અન્ય કર્મચારી સંગઠનો પણ બેસ્ટની હડતાળને ટેકો જાહેર કરવા લાગ્યા છે. આ સંગઠનોનું માનવું છે કે કર્મચારીઓ સામે કડક પગલાં લેવા કરતાં સરકાર અને પાલિકાએ તેમની મુશ્કેલીઓ સાંભળીને સમાધાનના પ્રયાસ તેમ જ યોગ્ય નિર્ણય લેવો જોઇએ. કેન્દ્રીય કામગાર સંગઠન હિંદુ મજદૂર સભાના બેસ્ટ કર્મચારી સભ્યોએ પણ આજે આ હડતાળને ટેકો જાહેર કર્યો છે. 
Published on: Sat, 12 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer