વૈશ્વિક બજાર સાથે સ્થાનિકમાં વેલ્યુ બાઇંગથી નિફ્ટી 55 પૉઇન્ટ વધીને 10,962

વૈશ્વિક બજાર સાથે સ્થાનિકમાં વેલ્યુ બાઇંગથી નિફ્ટી 55 પૉઇન્ટ વધીને 10,962
રિલાયન્સ-એચડીએફસી અને આઈટી શૅરનો તેજીમાં મુખ્ય ફાળો
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : ચીનની અર્થવ્યવસ્થાના 28 વર્ષના સૌથી નીચા વૃદ્ધિદર 6.6 ટકાના સંકેત છતાં વૈશ્વિક એશિયન બજારના સથવારે સ્થાનિકમાં એનએસઈમાં નિફ્ટી ટ્રેડિંગ અંતે 55 પોઇન્ટ વધીને 10,962 બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ 192 પોઇન્ટ વધીને 36,579ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે આજે સૂચકાંક ઉપર મુકાયા છતાં કુલ 32 શૅર નકારાત્મક ઘટાડે જ્યારે 18 શૅરના ભાવ વધ્યા હતા. રૂપિયામાં મજબૂતી અને ક્રૂડતેલમાં સ્થિરતા સાથે રિલાયન્સના સારા પરિણામોને લીધે આરઆઈએલના સેંકડા દૂરના ભાવ સતત બીજા સેશનમાં રૂા. 53 વધ્યો હતો. અગાઉ મોટી પછડાટ પછી સનફાર્મા રૂા. 7, બજાજ ફીનસર્વ અને કોટક બૅન્ક અનુક્રમે રૂા. 135 અને રૂા. 27 વધ્યા હતા. એચડીએફસી બૅન્કના પરિણામ મજબૂત આવવાથી શૅર રૂા. 18, એશિયન પેઇન્ટ રૂા. 14, ગેઇલ રૂા. 6, ટેક મહિન્દ્રા રૂા. 5 અને ટીસીએસ રૂા. 8, ઇન્ફોસીસ રૂા. 14 વધીને બંધ રહ્યા હતા. સૂચકાંકમાં રિલાયન્સ, એચડીએફસી બૅન્ક અને ટીસીએસના મોટા વેઇટેજથી બજાર સુધરીને બંધ હતું. જોકે મોટા ભાગના ક્ષેત્રવાર ઇન્ડેક્સ સ્થિર અથવા થોડા નકારાત્મક રહ્યા હતા. અૉટો તેલગૅસ ઇન્ડેક્સ નોંધપાત્ર ઘટયા હતા. રિયલ્ટી ઇન્ડેક્સ 2 ટકા ઘટયો હતો. વ્યક્તિગત શૅરમાં મધરસન સુમી 4 ટકા વધ્યો હતો. નિફ્ટી ફાર્મ ઇન્ડેક્સ 0.52 ટકા વધ્યો હતો. જેમાં સન ફાર્મા અને બાયોફીનનો નોંધપાત્ર ફાળો હતો. આજે બીએસઈ મીડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ અનુક્રમે 0.56 અને 0.70 ટકા ઘટયા હતા. જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 0.45 ટન સુધર્યો હતો.
આજે ઘટનાર અગ્રણી શૅરમાં મારુતિ સુઝુકી સૌથી વધુ રૂા. 150 (2 ટકા) ઘટયો હતો. આઈશર મોટર્સ રૂા. 95, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 9, વિપ્રો રૂા. 8, હીરો મોટર્સ રૂા. 104 (3 ટકા), એલએન્ડટી શરૂઆતનો મોટો ઘટાડો પચાવ્યા છતાં રૂા. 3 ઘટાડે, બજાજ અૉટો રૂા. 36, ઇન્ડસન્ડ બૅન્ક રૂા. 9, એસબીઆઈ રૂા. 2, બીપીસીએલ અને ઓએનજીસી અનુક્રમે રૂા. 3 અને રૂા. 2 અને ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ રૂા. 12 ઘટયો હતો.
એનલિસ્ટોના અનુમાન પ્રમાણે ચાર્ટ પર દૈનિક ધોરણે ટ્રાયન્ગલ પેટર્ન ઉભરે છે. જેથી ટ્રેડરોએ નિફ્ટી 10,800 ટકે તો થોડી ખરીદી માટેની શક્યતા દર્શાવાઈ છે. જોકે, તેજી માટે 10,985 ઉપર બંધ અત્યંત જરૂરી બને છે. ચાર્ટ પ્રમાણે 10,752 નીચે 10,600 સુધીનો ઘટાડો આવી શકે છે.
વિદેશી-એશિયન બજાર
ચીનની અર્થવ્યવસ્થાના વૃદ્ધિદરમાં ઘટાડાની આશંકા છતાં અમેરિકા-ચીનના નવા ટ્રેડ કરારની સંભાવના વધવાથી અમેરિકા ખાતે નાસ્દાક 73 પોઇન્ટ વધ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ મોટી હરણફાળે 500 પોઇન્ટ વધ્યો હતો. જ્યારે હૉંગકૉંગમાં હેંગસેંગ ઇન્ડેક્સ 106 અને શાંઘાઈ 14 પોઇન્ટ સુધારે રહ્યો હતો. જ્યારે એશિયા પેસિફિક શૅરના એમએસસીઆઈ ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો હતો. જપાનનો યેન સુધરતાં નિક્કી 0.3 ટન વધીને બંધ હતો.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer