ઉત્તર મુંબઈમાં ગુજરાતી કૉંગ્રેસી ઉમેદવારને ઊભો રાખવાની માગણી

મુંબઈ, તા. 21 : પૂર્વ સંસદસભ્ય પ્રિયા દત્તે ઉત્તર મધ્ય મુંબઈની બેઠક પરથી લોકસભાની આગામી ચૂંટણી નહીં લડવાનું જાહેર કર્યું છે ત્યારથી કૉંગ્રેસમાં આ સીટ મુસ્લિમ ઉમેદવારને ફાળવવાની તેમ જ ઉત્તર મુંબઈની બેઠક પર ગુજરાતી નેતાને મેદાનમાં ઉતારવાની માગણી જોર પકડી રહી છે. આ મહિનામાં કૉંગ્રેસની પ્રદેશ કારોબારીની બેઠકમાં આ મુદે ચર્ચા થવાની શક્યતા છે. 
મહારાષ્ટ્ર અને મુંબઈમાં મુસ્લિમોની વસતીને ધ્યાનમાં લઇને કૉંગ્રેસ મુંબઈમાં એક સીટ મુસ્લિમ ઉમેદવારને ફાળવે એવી માગણી મુસ્લિમ સંગઠનોની છે. મુસ્લિમ નેતાઓના જણાવ્યા પ્રમાણે ઉત્તર મધ્ય મુંબઈ લોકસભા મત વિસ્તારમાં પાંચ લાખથી વધુ મુસ્લિમો તેમ જ એક લાખ જેટલા ઇસાઇ અને શીખ મતદારો છે. દક્ષિણ મુંબઈમાં મળેલી મુસ્લિમ સંગઠનોની બેઠકમાં નોકરી અને શિક્ષણ ક્ષેત્રે અનામત ઉપરાંત લોકસભાની સીટોમાં પણ યોગ્ય પ્રતિનિધિત્વની ચર્ચા કરાઇ હતી. બાદમાં ગયા અઠવાડિયે પાર્ટીની બેઠકમાં ઉત્તર મધ્ય મુંબઈની બેઠક પર ઉમેદવારીની માગણી મુસ્લિમો તરફથી કરવામાં આવી હતી. અૉલ ઇન્ડિયા મિલિ કાઉન્સિલના મહારાષ્ટ્રના પ્રમુખ મૌલાના અથરે જણાવ્યું હતું કે અમે આ માગણી સતત કરી રહ્યા છીએ. 
જો કે કૉંગ્રેસ તરફથી આ બેઠક પર પ્રિયા દત્તને જ ઉમેદવારી માટે સંમત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ જો તેઓ સંમત નહીં થાય તો આ બેઠક પરથી કોઇ મુસ્લિમ નેતાને ઉમેદવારી આપવાની વિચારણા થઇ શકે છે. હાલમાં આ માટે રાજ્યના પૂર્વ પ્રધાનો આરિફ નસીમ ખાન અને બાબા સિદીકી તેમ જ પૂર્વ ક્રિકેટર મોહંમદ અઝહરુદીન અને અભિનેત્રી નગ્માના નામો સંભળાઇ રહ્યાં છે. 
આ રીતે જ લોકસભાની ઉત્તર મુંબઈની બેઠક પરથી ગુજરાતી નેતાને મેદાનમાં ઉતારવાની માગણી કૉંગ્રેસમાં ઊઠી છે. ગયા અઠવાડિયે પાર્ટીની બેઠકમાં પૂર્વ નગરસેવક નાનુભાઇ સોઢા સહિતના કૉંગ્રેસના ગુજરાતી હોદ્દેદારોએ ઉત્તર મુંબઈની લોકસભા બેઠક પરથી ગુજરાતી નેતાને મેદાનમાં ઉતારવાની માગણી રાખી હતી. સોઢાએ જણાવ્યું હતું કે આ બેઠકના કુલ 16 લાખ મતદારોમાંથી છ લાખ ગુજરાતી ભાષી હોવાથી ગુજરાતી ઉમેદવાર સરળતાથી જીતી શકે એમ છે. 
જો કે પાર્ટીના અન્ય નેતાઓ ઉમેદવારીમાં સામાજિક સંતુલનની વાત પણ કરી રહ્યા છે. પાર્ટીના પ્રવક્તા સચીન સાવંતે કહ્યું હતું કે મોદી વિરોધી લહેરનો ફાયદો લેવો હોય તો ગુજરાતી અને મરાઠીઓને યોગ્ય ઉમેદવારી આપવી જોઇએ. મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે જણાવ્યું હતું કે તમામ સમુદાય તરફથી સૂચનો આવકાર્ય છે. ઉમેદવારી સંબંધે આખરી નિર્ણય કેન્દ્રીય નેતાગીરી લેશે.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer