``લોકપાલ હોત તો `રફાલ સ્કેમ' ન થયું હોત''
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ સોમવારે જણાવ્યું હતું કે સરકારે જો કેન્દ્રમાં લોકપાલની નિમણૂક કરી હોત તો `રફાલ સ્કેમ' થયો ન હોત.
ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના અમલમાં વિલંબ અને ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં સરકારની નિષ્ફળતા સામે 30 જાન્યુઆરીથી પોતાના ગામ રાળેગણસિદ્ધિમાં અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર જવાની હઝારેએ જાહેરાત કરી હતી.
હઝારેએ જણાવ્યું હતું કે દેશ સરમુખત્યારશાહી તરફ જવાનો ખતરો ઊભો થયો છે. `જો લોકપાલ હોત તો રફાલ જેવું સ્કેમ ન થાત,' એમ હઝારેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. `મારી પાસે રફાલ સોદાને લગતા ઘણાં કાગળો છે અને તેનો એકાદ બે દિવસમાં અભ્યાસ કર્યા બાદ હું અલગ પત્રકાર પરિષદ યોજીશ. મને એ વાતની ખબર પડતી નથી કે આ સોદો થયો તે પછી એક મહિના બાદ તેમાં ભાગીદાર થવા કંપનીની રચના કરવામાં આવી હતી એમ હઝારેએ વધુમાં જણાવ્યું હતું.
તેમણે એવો સવાલ કર્યો હતો કે સરકારે 2017ના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન શા માટે નથી કર્યું જેમાં એમ જણાવવામાં આવ્યું છે કે સંસદ દ્વારા સૂચિત સુધારાઓને મંજૂરી ન અપાય ત્યાં સુધી લોકપાલ ધારાના અમલને સસ્પેન્ડ કરવાનું વાજબી નથી. આ સરકાર છે કે કોઈ વાણિયાની દુકાન છે? એવો સવાલ તેમણે કર્યો હતો. તેમણે ખેડૂતોની માગણીઓ પૂરી નહીં કરવા માટે સરકાર પર આરોપ મૂક્યો હતો. પેન્શન, પાક માટે પૂરતા ભાવ અને લોન માફીનો આ માગણીઓમાં સમાવેશ થાય છે. ભૂતકાળમાં સરકારે લેખિતમાં એમ કહ્યું હતું કે તે સ્વામીનાથન રિપોર્ટનો અમલ કરશે અને ખેડૂતોને પેન્શન તેમ જ લઘુતમ ટેકાના ભાવ દોઢ ગણા આપશે પરંતુ તેણે કાંઈ કર્યું નથી. હવે મને ખોટી ખાતરીઓ જોઇતી નથી અને મારા શરીરમાં જ્યાં સુધી જાન હશે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખીશ, એમ હઝારેએ વધુમાં જણાવ્યું હતું.
રાષ્ટ્રીય કિસાન મહાપંચાયતે જણાવ્યું હતું કે દેશભરનાં ખેડૂત સંગઠનો આ ભૂખ હડતાળમાં જોડાશે. મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં આવાં 15 સંગઠનો આ હડતાળમાં જોડાશે એમ આ મહાપંચાયતના એક સભ્ય શિવકુમાર કક્કાએ જણાવ્યું હતું.
હઝારેએ જણાવ્યું હતું કે તેઓ તેમના ગામ રાળેગણસિદ્ધિ ખાતે ભૂખ હડતાળ કરશે અને જ્યાં સુધી સરકાર તેમની માગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે. હઝારેએ તેમના અનુયાયીઓને રાળેગણસિદ્ધિમાં એકઠા નહીં થવાની પરંતુ પોતપોતાના સ્થળે ભૂખ હડતાળ કરવાની અપીલ કરી હતી.
હઝારેને લોકપાલ ચળવળનો ચહેરો ગણવામાં આવે છે. આઠ વર્ષમાં તેમની આ ત્રીજી ભૂખ હડતાળ હશે.