ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યો બિમલ શાહ અને અનિલ પટેલે કૉંગ્રેસનો ખેસ પહેર્યો

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.21: લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપને મોટો ફટકો પડયો છે. ભાજપના પૂર્વ પ્રધાન, પૂર્વ ધારાસભ્ય અને કપડવંજના દિગ્ગજ નેતા બિમલ શાહ સહિત અનેક નેતાઓ કૉંગ્રેસમાં જોડાયા છે. કૉંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદ પટેલ, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કૉંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી અને સિનિયર નેતા દિનશા પટેલ સહિતના કૉંગી નેતાઓની  ઉપસ્થિતિમાં બિમલ શાહ સહિતના નેતાઓએ કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. બિમલ શાહની સાથે બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ પણ કૉંગ્રેસમાં જોડાયા હતા. તો સુરતના દર્શન નાયકની પણ ઘરવાપસી થઇ છે. વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસે દર્શન નાયકને સસ્પેન્ડ કર્યા હતા. જે હવે ફરીથી કૉંગ્રેસમાં જોડાયા છે. આ સાથે માંગરોળના પૂર્વ આઇએએસ અધિકારી જગતસિંહ વસાવા પણ કૉંગ્રેસમાં જોડાયા હતા. 
આ અવસરે કૉંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદભાઇ પટેલે કહ્યું કે, અત્યારે કેન્દ્રમાં કે રાજ્યમાં કૉંગ્રેસની સરકાર નથી, તેવા સમયે કૉંગ્રેસમાં દાખલ થવું એ ખરેખર મહત્ત્વની બાબત છે. તેમણે બિમલ શાહ સહિતના આગેવાનોને કૉંગ્રેસમાં આવકારતા તેમની સાથે કોઇ ભેદભાવ કે અણછાજતો વર્તાવ નહીં થાય તેની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, દેશ સામે અનેક પડકારો છે અને રાષ્ટ્રમાં રાજકીય તેમ જ આર્થિક કટોકટી વર્તાઇ રહી છે ત્યારે રાષ્ટ્ર અને રાજ્ય સામેના પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થાય  તેમ જ સામાન્ય માનવીની મુશ્કેલીઓ હલ કરવામાં કૉંગ્રેસમાં જોડાયેલા તમામ આગેવાનો સાથ-સહકાર આપશે તેવો વિશ્વાસ છે. કૉંગ્રેસને નવી શક્તિ પ્રદાન થતાં જોશ, ઊર્જા અને શક્તિ પ્રાપ્ત થશે તેનો ચોક્કસપણે ઉપયોગ થશે. તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપમાં યુઝ એન્ડ થ્રોની નીતિ અપનાવવામાં આવે છે જેથી ભાજપમાં ગયા પછી કાર્યકરો અને આગેવાનોને સન્માન મળતું નથી.
ભાજપ છોડી કૉંગ્રેસમાં જોડાયેલા પૂર્વ પ્રધાન અને કપડવંજને પૂર્વ ધારાસભ્ય બિમલ શાહે કોઇપણ પ્રકારના વાદ-વિવાદ વગર કામ કરવાના ઇરાદાથી કૉંગ્રેસમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.  
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer