મુઠ્ઠીભર ધનકુબેરોની સંપત્તિમાં દરરોજ 2200 કરોડની વૃદ્ધિ

આવકની અસમાનતાની વરવી સ્થિતિ : 1 ટકા ધનાઢ્યો 39 ટકા વધુ અમીર બન્યા
 
નવી દિલ્હી, તા. 21 : પૈસો પૈસાને ખેંચે છે તે વાતને સાબિત કરતા અને આવકની અસમાનતાની ચિંતાજનક પરિસ્થિતિને જાહેર કરતા એક તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના મુઠ્ઠીભર એક ટકા ધનકુબેરોની સંપત્તિમાં ગયા વર્ષે દરરોજ 2200 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે. એક ટકા ઘનકુબેરો 39 ટકા વધુ અમીર બન્યા હતા જ્યારે આર્થિક રૂપે નબળા લોકોની સંપત્તિમાં માત્ર 3 ટકાનો વધારો નોંધાયો હતો. ઓક્સફેમ દ્વારા જારી કરવામાં અભ્યાસમાં ધનકુબેરો અને ગરીબોની સંપત્તિ વચ્ચે જોવા મળી રહેલા નોંધપાત્ર તફાવત જારી થયો છે.  
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ)ની વાર્ષિક પાંચ દિવસીય બેઠક પહેલા જારી થયેલા વાર્ષિક અભ્યાસ મુજબ વૈશ્વિક સ્તરે વર્ષ 2018મા ધનકુબેરોની સંપત્તિમાં દરરોજ 12 ટકા અથવા તો 2.5 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે દુનિયાના સૌથી ગરીબ વર્ગના લોકોની સંપત્તિમાં એકંદરે 11 ટકાનો ઘટાડો થયો છે. ઓક્સફેમના કહેવા પ્રમાણે  13.6 કરોડ ભારતીય 2004થી જ કરજમાં ડૂબેલા છે. 13.6 કરોડની આ આબાદી દેશની સૌથી ગરીબ આબાદીના 10 ટકા છે. ઓક્સફેમે કહ્યું છે કે, અમીરી અને ગરીબી વચ્ચેની મોટી થતી ખાઈ ગરીબી સામેની લડાઈને નબળી પાડી રહી છે અને અર્થવ્યવસ્થા બરબાદ કરવા ઉપર દુનિયાભરમાં લોકોનો આક્રોશ વધારી રહી છે. 
ઓક્સફેમ ઈન્ટરનેશનના કાર્યકારી ડાયરેક્ટર વિની બ્યાનયિમાએ કહ્યું હતું કે, ભારતમાં મુઠ્ઠીભર અમીર લોકો પોતાની સંપત્તિમાં સતત વધારો કરી રહ્યા છે જ્યારે ગરીબ લોકો બે વખતના ભોજન અને બાળકોની દવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે તે નૈતિક રુપે અપમાનજનક છે. દેશના એક ટકા લોકો અને બાકી ભારત વચ્ચેનો આ તફાવત યથાવત રહેશે તો ભારતની સામાજિક અને લોકતાંત્રિક સંરચના પૂરી રીતે બગડી જશે. ભારતની 10 ટકા આબાદી પાસે દેશની કુલ સંપત્તિનો 77.4 ટકા હિસ્સો છે. જ્યારે એક ટકા લોકો પાસે દેશની કુલ સંપત્તિનો 51.53 ટકા હિસ્સો છે.  આ ઉપરાંત દેશની 60 ટકા આબાદી પાસે દેશની કુલ સંપત્તિના માત્ર 4.8 ટકા સંપત્તિ જ  છે. ઓક્સફેમે દાવોસમાં મંચની વાર્ષિક બેઠક માટે એકઠા થયેલા દુનિયાભરના રાજનીતિક અને વ્યાવસાયિક નેતાઓને આગ્રહ કર્યો છે કે, અમીર અને ગરીબ લોકોની સંપત્તિનો વધતો તફાવત અટકાવવા માટે તાકીદે પગલા ભરવામાં આવે. 
દરરોજ 70 નવા કરોડપતિ બનશે
રિપોર્ટમાં અનુમાન છે કે 2018 થી 2022 વચ્ચે ભારતમાં દરરોજ 70 નવા કરોડપતિ બનશે. ઓક્સફેમ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી  અમિતાભ બેહરે કહ્યું હતું કે, સરકાર સેવા અને શિક્ષા જેવી સાર્વજનિક સેવાઓ ઉપર ઓછો ખર્ચ કરતી હોવાની અસમાનતા વધી રહી છે. બીજી તરફ કંપનીઓ અને અમીરો ઉપરનો કર ઓછો છે અને ટેક્સ ચોરી રોકવામાં નિષ્ફળતા મળી રહી છે. તેમાં પણ આર્થિક અસમાનતાથી સૌથી વધુ મહિલાઓ પ્રભાવિત થાય છે.
વર્ષમાં અબજપતિ વધીને 119 થયા
ઓક્સફેમે કહ્યું છે કે, 2018માં દેશમાં 18 નવા અબજપતિ બન્યા છે. જેના કારણે અબજપતિની સંખ્યા વધીને 119 થઈ હતી. આ ઉપરાંત તેઓની સંપત્તિ પહેલી વખત વધીને 400 અબજ ડોલરને પાર કરી ગઈ હતી. 
વૈશ્વિક સ્તરે ધનિકો વધુ ધનવાન, ગરીબો વધુ ગરીબ
ઓક્સફેમના રિપોર્ટ પ્રમાણે માત્ર ભારત જ નહી પણ વૈશ્વિક સ્તરે અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. વિશ્વના 26 સૌથી ધનાઢ્ય લોકો પાસે 3.8 બિલિયન ગરીબો જેટલી સંપત્તિ છે.  રિપોર્ટમાં સંપત્તિ અને આવક કરતા વધારે દેણું ધરાવતી વ્યક્તિને કોઈપણ દેવા વિનાની વ્યક્તિ કરતા ગરીબ ગણવામાં આવે છે.  વિશ્વભરના ધનકુબેરોની આવકમાં દરરોજ 12 ટકા એટલે કે 2.5 બિલિયન ડોલરનો વધારો થયો હતો જ્યારે વિશ્વની અડધો અડધ આબાદી ધરાવતા ગરીબોની સંપત્તિમાં 11 ટકાનો ઘટાડો થયો હતો. 
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer