ભારતીય મૂળનાં કમલા હેરિસ અમેરિકાના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર

ભારતીય મૂળનાં કમલા હેરિસ અમેરિકાના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર
વૉશિંગ્ટન, તા. 21 : ભારતીય મૂળનાં મહિલા કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર બન્યાં છે. અગાઉ કૅલિફૉર્નિયાના ઍટર્ની જનરલ રહી ચૂકેલાં કમલા હેરિસ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ઉમેદવારી સામે આકરા સવાલો ઉઠાવીને વિશ્વભરમાં જાણીતાં બન્યાં હતાં.
અમેરિકાના પ્રમુખપદ માટેની આગામી ચૂંટણીમાં કમલા હેરિસની જીત થશે તો તેઓ અમેરિકાનાં પ્રમુખ બનનાર પહેલાં મહિલા બનશે, એ ઉપરાંત ભારતીય મૂળનાં પહેલાં અમેરિકન પ્રમુખ હશે, એટલું જ નહીં, બરાક ઓબામા બાદ આફ્રિકન અમેરિકન મૂળનાં બીજાં અમેરિકન પ્રમુખ બનશે. કેમ કે કમલા હેરિસનો ઉછેર કૅલિફૉર્નિયા અને અૉકલૅન્ડમાં થયો છે, પરંતુ તેમનાં માતા-પિતા જમૈકન અને ભારતીય છે.
`ગુડ મૉર્નિંગ અમેરિકા' નામની ન્યુઝ-ચૅનલ પર કમલા હેરિસે જણાવ્યું હતું કે હું અમેરિકાના પ્રમુખપદની ઉમેદવાર બનવા જઈ રહી છું અને એ માટે હું ઉત્સુક છું. 54 વર્ષનાં કમલા હેરિસ ન્યાય અને સમાનતાની લડાઈ માટે જાણીતાં છે અને પોતાનો પ્રચાર શરૂ કરતાં તેમણે પોતાની આવી ઝુંબેશના વિડિયો પણ રિલીઝ કર્યા છે.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer