મુંબઈ-નાગપુર એક્સ્પ્રેસવેને શિવાજી મહારાજનાં

મુંબઈ-નાગપુર એક્સ્પ્રેસવેને શિવાજી મહારાજનાં
માતુશ્રી જિજામાતાનું નામ આપવાની માગણી
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મુંબઈ-નાગપુર વચ્ચેના સુપર એક્સ્પ્રેસવેને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ આપવું કે શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેનું નામ આપવું એનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં એક નવા નામનો પ્રસ્તાવ આવ્યો છે.
નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)એ રવિવારે એવી જાહેરાત કરી હતી કે આ સુપર એક્સ્પ્રેસવેને છત્રપતિ શિવાજી મહારાજનાં માતુશ્રી જિજાબાઈનું નામ અપાશે.
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના સિનિયર નેતા અજિત પવારે કહ્યું હતું કે મુંબઈ-નાગપુર સુપર એક્સ્પ્રેસવે 10 જિલ્લામાંથી પસાર થશે. જિજાબાઈનો જે જિલ્લામાં જન્મ થયો હતો એ બુલઢાણા જિલ્લામાંથી પણ આ એક્સ્પ્રેસવે પસાર થવાનો છે. સુપર એક્સ્પ્રેસવેને જો તેમનું નામ અપાશે તો શિવાજી મહારાજ અને તેમનાં માતાને આપવામાં આવેલી આ પર્ફેક્ટ શ્રદ્ધાંજલિ હશે. આ સરકારે જિજામાતાનું નામ આપવું જોઈએ અને જો એ નહીં આપે તો અમે સત્તા પર આવીશું ત્યારે અમે એ નામ આપીશું.
અજિત પવાર રવિવારે બુલઢાણામાં પક્ષની રાજ્યવ્યાપી પરિવર્તન યાત્રાના ભાગરૂપે એક સભાને સંબોધી રહ્યા હતા.
શિવસેનાએ નવેમ્બર 2018માં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર આપીને આ સુપર એક્સ્પ્રેસવેને બાળ ઠાકરેનું નામ આપવાની માગણી કરી હતી, જ્યારે ભાજપ આ સુપર એક્સ્પ્રેસવેને અટલ બિહાર વાજપેયીનું નામ આપવા માગે છે.
700 કિલોમીટર લાંબા આ એક્સ્પ્રેસવે પર 24 મહત્ત્વના નૉડ્સ હશે અને આ 24 વિસ્તારોને સ્માર્ટસિટી તરીકે ડેવલપ કરવામાં આવશે. સુપર એક્સ્પ્રેસવે 10 જિલ્લામાંથી પસાર થશે અને એ ઉપરાંત 14 અન્યનો વિકાસ થશે. રાજ્ય સરકારના અધિકારીઓના કહેવા મુજબ આ સુપર અસ્સ્પ્રેસવે માટે જમીનના અધિગ્રહણનું 90 ટકા  કામ પૂરું થયું છે. રાજ્ય સરકારે તાજેતરમાં આ યોજનાના ખર્ચ થયેલા 6000 કરોડ રૂપિયાને મંજૂરી આપી હતી. આ સુપર એક્સ્પ્રેસવે પાછળ કુલ 55,335 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer