ભાગેડુ મેહુલ ચોક્સીએ છોડી દીધું ભારતનું નાગરિકત્વ

ભાગેડુ મેહુલ ચોક્સીએ છોડી દીધું ભારતનું નાગરિકત્વ
પીએનબી ફ્રૉડ કેસનો નવો ફણગો

નવી દિલ્હી, તા. 21: ભ્રષ્ટાચાર નાબૂદી માટેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને પડેલા એક ફટકારૂપે પીએનબી ફ્રોડ કેસના ભાગેડુ આરોપી મેહુલ ચોકસીએ, પોતાનો પાસપોર્ટ એન્ટીગ્વા અને બારબુડાની સરકારને સરેન્ડર (શરણે) કરી દઈ ભારતીય નાગરિકત્વ ત્યજી દીધું છે! બેન્ક લોનોના ફ્રોડ-છેતરપિંડી- સબબ કેટલીક તપાસનીશ એજન્સીઓ માટે `વોન્ટેડ' મેહુલ ચોકસી (પ9)એ એન્ટીગ્વાના ગુયાના ખાતેના ભારતીય દૂતાવાસમાં પોતાના પાસપોર્ટ સાથે 177 ડોલર્સ પણ સોંપી દીધાનું એક ખાનગી ન્યુઝ ચેનલે જણાવ્યું હતું. ગયા વર્ષની જાન્યુ.ના પ્રથમ સપ્તાહમાં ભારતમાંથી, કેરીબીઅન ટાપુ-દેશ એન્ટીગ્વા નાસી જવા પહેલાં ચોકસીએ ત્યાંનું નાગરિકત્વ મેળવી લીધું હતુ. ડિફોલ્ટર્સને બક્ષવામાં નહીં આવે અને મારી સરકાર તેઓને, આજે કે કાલે, દેશમાં તાણી લાવશે એમ વડા પ્રધાને તા.પહેલીએ એક સમાચારસંસ્થાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. ભાગેડુ આર્થિક અપરાધી વિધેયક, 2018 અમલી બનાવ્યો છે અને દેશમાંથી નાસેલા આવા અપરાધીઓને પરત લાવવામાં આવશે, જો કે એમાં સમય લાગશે પણ પરત લાવશું જરૂર એમ ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું.
ચોકસીના ભાણેજ અને પીએનબી ફ્રોડ કેસના ચાવીરૂપ આરોપી નીરવ મોદી લંડન ખાતે ભરાઈ બેઠો છે, જ્યારે ચોકસી યુકે સાથે કાનૂની નાતો ધરાવતા ટાપુ પર વસી રહ્યો છે. આ ફ્રોડ બહાર આવ્યા બાદ વિદેશ મંત્રાલયે અગાઉ તેઓના પાસપોર્ટ પાછા ખેંચી લીધા હતા.
ભારતમાંના ભાગેડુને નાગરિકત્વ આપ્યાનું બહાર આવ્યા બાદ એન્ટીગ્વામાં મોટો વિવાદ જાગ્યા છતાં ચોકસીએ, મૂડીરોકાણના માપદંડ હેઠળ પરત ફરવા ઈનકાર કરતો રહ્યો છે. આ માપદંડ જે તે બિઝનેસમેનને મૂડીરોકાણના બદલામાં જે તે ટાપુનું નાગરિકત્વ સુલભ બનાવી આપે છે.   મારી સામેના આક્ષેપો જૂઠા છે એવુ ગાણું ગાયે રાખતા ચોકસીએ '18ની 2પ ઓકટોબરે કોર્ટ સમક્ષ જણાવ્યુ હતું કે `નાજુક તબિયત'ના વાંકે એન્ટીગ્વાથી ભારતના 41 કલાકનો લાંબો પ્રવાસ કરી શકું તેમ નથી ! કોર્ટ સમક્ષના લેખિત જવાબમાં ચોકસીએ જણાવ્યું હતું કે વીડિયો કોન્ફરન્સિઁગથી તપાસમાં જોડાવાને ઈચ્છુક છુ. સમગ્ર તપાસ ગેરમાર્ગે દોરવા મારી તબિયત વિશેની વિગતો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ કોર્ટ સાથે સહભાગી કરતું નથી એવો આક્ષેપ તેણે કર્યો હતો.
ફયુજીટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ સરકાર લાવી તે પછીનો આ સૌપ્રથમ ધ્યાનાર્હ બનાવ છે. ગુયાનામાં ચોકસી જાતે પાસપોર્ટ શરણે કરવા આવ્યો હતો કે મેઈલ વાટે મોકલ્યો હતો તે વિશે અધિકારીઓએ હજી ખરાઈ કરવી બાકી છે.  રાજદ્વારી અને કાનૂની બેઉ રાહે ભારત, એન્ટીગ્વાની સરકાર સાથે ચોકસીની વાપસી મામલે સઘનપણે પ્રયત્નશીલ હોવાનું સૂત્રો જણાવે છે.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer