વેપારીઓની મજબૂત વોટ બૅન્ક રચવાના પ્રયાસો

સીએઆઈટી 100 શહેરોમાં ફરી વળશે
નવી દિલ્હી, તા. 23 : કન્ફેડરેશન ઓફ ઓલ-ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી)એ દેશભરના વેપારીઓની મજબૂત વોટ બૅન્ક રચવાના પ્રયાસો શરૂ કર્યા છે. પહેલી ફેબ્રુઆરીથી સીએઆઈટીના અધિકારીઓ લગભગ 100 શહેરોમાં ફરીને વેપારીઓ તેમજ તેમના કર્મચારીગણને કન્ફેડરેશનના અનુરોધ મુજબ મતદાન કરવા સમજાવશે.
સીએઆઈટીના નેશનલ પ્રેસિડેન્ટ બી સી ભરતિયાએ અને સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ વખતની લોકસભાની ચૂંટણી સમયે વેપારી સમુદાયની હાજરી એક સંગઠિત, મજબૂત વોટ બૅન્ક તરીકે દેખાવી જોઈએ. આ અભિયાનનું સૂત્ર હશે  `વન નેશન, વન ટ્રેડર, ટેન વોટ્સ' (એક રાષ્ટ્ર, એક વેપારી, 10 મત). 
તેમણે કહ્યું કે કન્ફેડરેશન, દેશમાં 45 કરોડ લોકોને રોજગાર આપી રહેલા સાત કરોડ નાના વેપારીઓ સુધી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પહોંચશે. મોટી ઈ-કોમર્સ કંપનીઓના કથિત લાબિંગ દ્વારા ક્ષેત્રને નિયંત્રિત કરવાના નિયમોમાં કરાયેલા ફેરફારોની અસરકારકતા ઓછી કરવા અથવા  અટકાવવાના પ્રયાસોનો વિરોધ કરવા કન્ફેડરેશન આગળ આવ્યું હતું. 
વેપારીઓના આ સંગઠને તેમની માગણીઓની વાણિજ્ય પ્રધાનને લેખિતમાં જાણ કરી હતી. કન્ફેડરેશને ગયા વર્ષે વોલમાર્ટ-ફ્લિપકાર્ટના સોદાનો પણ વિરોધ કર્યો હતો અને આ સોદો નાના વેપારીઓને હાનિકારક બનશે તેમ જણાવ્યું હતું. બી સી ભરતિયાએ જણાવ્યું કે આ અભિયાન 100 શહેરોમાં એકસાથે હાથ ધરાશે. કન્ફેડરેશન દરેક શહેરમાં સ્થાનિક ટ્રેડ એસોસિયેશનો સાથે મળીને આ અભિયાન હેઠળ વેપારીઓને દેશની અર્થવ્યવસ્થામાં તેમના મહત્ત્વ વિશે જાગૃત કરશે અને કન્ફેડરેશન તેમજ સ્થાનિક ટ્રેડ એસોસિયેશનના આદેશ મુજબ પોતાનો મત આપવા વિનંતી કરશે.
સીએઆઈટીએ વ્હિસ્પર કેમ્પેઇન હાથ ધરવાનું પણ નક્કી કર્યું છે, જેમાં વેપારીઓને પોતાના ગ્રાહકો તેમજ અન્ય લોકોને કોઈ પણ સરકાર કે રાજકીય પક્ષ માટે સકારાત્મક અથવા નકારાત્મક વાત પ્રસારિત કરવાનું કહેવાશે. આ વાત કઈ અને કેવી હશે તેનો નિર્ણય સીએઆઈટી સાથે જોડાયેલું સ્થાનિક વેપારી સંગઠન લેશે. 
દરેક નાનો વેપારી, તેના પરિવાર સહિત લગભગ 50 મતદાતા સુધી પહોંચી શકે છે, તેમ ભરતીયાએ ઉમેર્યું હતું.
ખંડેલવાલે જણાવ્યું કે વેપારીઓ પોતાના સંબંધીઓ તેમજ ગ્રાહકો ઉપર સારો એવો પ્રભાવ ધરાવતા હોય છે. એક અંદાજ મુજબ શહેરમાં આવેલી એક સામાન્ય દુકાન ઉપર રોજ લગભગ 20 ગ્રાહકો આવે છે અને તેમાંથી લગભગ 30 ટકા ગ્રાહકો જૂના અને 70 ટકા નવા હોય છે. દેશમાં સાત કરોડ નાના વેપારીઓ છે, જે આશરે 45 કરોડ લોકોને રોજગાર આપીને લગભગ રૂા. 42 લાખ કરોડની વાર્ષિક આવક ઊભી કરે છે. ઉપરાંત, દેશમાં 40,000થી વધુ વેપાર સંગઠનો છે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer