આર્થિક વિકાસની ચિંતાથી સોનું મજબૂત

આર્થિક વિકાસની ચિંતાથી સોનું મજબૂત
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.23 : સોનાનું મૂલ્ય મજબૂત રહ્યું હતું. ગઇકાલે ઝડપી તેજી આવ્યા પછી નવી લેવાલીમાં રુકાવટ હતી. અલબત્ત વૈશ્વિક ઇક્વિટી બજારોમાં અમેરિકા-ચીનના વેપારયુદ્ધને કારણે આર્થિક વિકાસની ચિંતા હોવાથી નરમાઇ આવતા સોનાના ભાવ જળવાયા હતા. સાક્સો બૅન્કના વિશ્લેષક ઓલ હેન્સન કહે છે, ઇક્વિટી માર્કેટમાં નબળાઇ આવે તો તેના કારણે સોનાને ટેકો મળી શકે તેમ છે. ડૉલરની તેજી-મંદી નિશ્ચિત રેન્જમાં છે એટલે શૅરબજારની અસર પડે છે.
ઇટીએફ ફંડો હવે ધીરે ધીરે સોનામાં સક્રિય થઇ રહ્યા છે. સૌને વૈશ્વિક આર્થિક વિકાસની ચિંતા છે. એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામત જૂન 2018 પછીની ટોચની સપાટીએ છે. ગઇકાલે આઇએમએફ દ્વારા ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શનમાં નબળા સંકેતો આપ્યા છે. આર્થિક વિકાસ ઘટશે તેવા સંકેતો મળતા બોન્ડના યીલ્ડ ઘટયા છે અને રોકાણકારો જોખમી એસેટની તુલનાએ સલામત રોકાણ તરફ ખસી રહ્યા છે.
એક અંગ્રેજી અખબારના કહેવા પ્રમાણે અમેરિકાએ ચીનની ટ્રેડવોરની વાતચીત માટેની બેઠકમાં હાજર રહેવાનો ઇનકાર કરી દીધો છે. આવતા સપ્તાહમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની હતી. અલબત્ત વ્હાઇટ હાઉસ દ્વારા આ સમાચારને રદીયો આપવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કેવા ફેરફાર કરવામાં આવે છે તેના ઉપર તેજી-મંદીનો આધાર હશે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 50ના સુધારામાં રૂા. 33,150 હતો. મુંબઈમાં રૂા. 15 વધીને રૂા. 32,490 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 15.39 ડૉલર રનિંગ હતી. ચાંદી એક કિલોએ રૂા. 200 વધીને રૂા. 39,500 રહી હતી. મુંબઈમાં રૂા. 255 વધતા રૂા. 39,040 હતી.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer