વૈશ્વિક પ્રતિકૂળ સંજોગોથી શૅરબજારમાં વધતી વેચવાલી

વૈશ્વિક પ્રતિકૂળ સંજોગોથી શૅરબજારમાં વધતી વેચવાલી
નિફટી 91 પૉઈન્ટ ઘટીને 10831.50
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : શૅરબજારમાં આજે પ્રારંભિક સ્થિરતા બાદ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. અમેરિકાથી એશિયા સુધીમાં બજારોના પ્રતિકૂળ સંકેતને લીધે સ્થાનિક બજારમાં નાણાસંસ્થાઓ અને એફડીઆઈની વેચવાલીને લીધે એનએસઈ ખાતે નિફટી 91 પૉઈન્ટના ઘટાડે 10831.50 બંધ રહ્યો હતો. વિશ્લેષકોના અનુમાન પ્રમાણે વૈશ્વિક અને એશિયાનાં શૅરબજારની સરખામણીએ નિફટીનું મૂલ્ય વધુ હોવાનું જણાતા વૈશ્વિક રોકાણકારો વેચવાલ બન્યા છે.
બીએસઈ ખાતે સેન્સેક્ષ 336 પૉઈન્ટ ઘટીને 36108 બંધ હતો. આજે એફએમસીજી અગ્રણી આઈટીસીનો નફો 3 ટકા વધવા છતાં શૅરનો ભાવ ટ્રેડિંગ દરમિયાન 5 ટકા ઘટીને અંતે રૂા. 12ના દબાણમાં બંધ હતો. તેથી એફએમસીજી સૂચકાંક 1.69 ટકા દબાણમાં હતો. બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ અનુક્રમે 0.28 અને 0.16 ટકા ઘટીને બંધ હતા.
વિપ્રોમાં 2019માં સારી કમાણીની સંભાવનાએ 20 વર્ષની ઊંચી સપાટી રૂા. 355.45 બનાવી હતી. જોકે, અન્ય આઈટી શૅરોમાં મિશ્ર વલણ જોવાયું હતું.
ક્રૂડતેલના ભાવ સ્થિર હોવા છતાં ચીન-અમેરિકાના ટ્રેડવોરના ઓછાયાથી વૈશ્વિક અને સ્થાનિક બજારમાં રોકાણકારો સાવધાની પસંદ કરે છે. તેથી આજે ઓછાવત્તે સુધરીને બંધ રહેલ શૅરમાં મહદ્અંશે પ્રત્યાઘાતી ઉછાળો હતો. તેમાં ટિસ્કો રૂા. 8, હિન્દાલ્કો રૂા. 2, જેએસડબ્લ્યુ રૂા. 3, એચયુએલ રૂા. 17, બજાજ ફીનસર્વ રૂા. 58, ઝી રૂા. 8, સનફાર્મા રૂા. 12 અને ટેક મહિન્દ્રા રૂા. 6 સુધારે હતો.
આજે ઘટાડાની તીવ્રતાની આગેવાની લેતા ટીસીએસ રૂા. 26, ઈન્ફોસીસ રૂા. 13, આઈટીસી રૂા. 12, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 9, અલ્ટ્રાટેક રૂા. 10, ગ્રાસીમ રૂા. 22, ટીટાન રૂા. 20, હીરો મોટર્સ રૂા. 29, એમએન્ડએમ રૂા. 13, બૅન્કિંગ અગ્રણી એચડીએફસી બૅન્ક રૂા. 30, કોટક બૅન્ક રૂા. 15, એસબીઆઈ રૂા. 4 અને એચડીએફસી રૂા. 20 ઘટયા હતા. વ્યક્તિગત શૅરમાં આયનોકસ વિન્ડ પાવર 3 ટકા વધ્યો હતો. જ્યારે આઈસીઆઈ પ્રુડેન્શિયલ 3 ટકા દબાણમાં હતો, જ્યારે પરિણામ જાહેર થવાના હોવાથી ઈન્ડિગો અને ભારતી ઈન્ફ્રાટેલમાં રોકાણકારોની સાવધાની જણાઈ આવતી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિફટીની એપ્રિલ એફએન્ડઓ સિરિઝથી બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરાશે એવા અહેવાલ છે. એનલિસ્ટોના જણાવ્યા પ્રમાણે ચાર્ટ પર હેન્ગિંગ મેન પેટર્ન બની છે. જેથી તેજીના ખેલાડીઓ થોડા ધીમા પડયાનું મનાય છે. અગાઉ જણાવ્યા પ્રમાણે 10952ના મુખ્ય રેસિસ્ટન્ટ લેવલથી બજારનો ઘટાડો શરૂ થયો છે. જેથી હવે 10750 અને 10710નો સપોર્ટ મુખ્ય ગણાય.
વિદેશી-એશિયન બજાર
અમેરિકાનો મુખ્ય સૂચકાંક નાસ્દાક 137 પૉઈન્ટ અને ડાઉ જોન્સ 301 પૉઈન્ટ ઘટયા હતા. જોકે, હૉંગકૉંગ ખાતે હૅંગસૅંગ સ્થિર હતો. એશિયા પેસિફિક શૅરનો એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્ષ 0.15 ટકા ઘટાડે હતો. શાંઘાઈ કમ્પોઝિટ 0.15 ટકા અને જપાન ખાતે નિક્કી 0.1 ટકા ઘટાડે હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer