બ્રાહ્મણોની ચાર ટકા અનામતની માગણી સરકારે ઠુકરાવી દીધી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મંગળવારે આઝાદ મેદાનમાં પોતાની વિવિધ માગણીઓ સાથે આંદોલન કરનાર બ્રાહ્મણ સમાજના પ્રતિનિધિઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને આ મિટિંગ બાદ બ્રાહ્મણ નેતાઓએ પોતાની મોટાભાગની માગણીનો મુખ્ય પ્રધાને સ્વીકાર કર્યો હોવાનો દાવો કર્યો હતો.
24 બ્રાહ્મણ સંઘોના બનેલા સમસ્ત બ્રાહ્મણ સમાજ મહારાષ્ટ્રના નેજા હેઠળ મંગળવારે આ આંદોલન કરવામાં આવ્યું હતું.
બ્રાહ્મણોએ તેમને ગરીબ સવર્ણો માટે 10 ટકા ક્વોટામાં રાખવાને બદલે અલગથી ચાર ટકા અનામત આપવાની માગણી કરી છે. સૂત્રોએ કહ્યું હતું કે સરકારે આ માગણી ઠુકરાવી દીધી છે. બ્રાહ્મણ સમાજના કલ્યાણના વિકાસ માટે ફાઈનાન્શિયલ બોર્ડ ઊભું કરવાની વિનંતી વિશે નિર્ણય હવે પછી લેવાશે.
જોકે બ્રાહ્મણ સમાજના નેતા વિશ્વજીત દેશપાંડેએ કહ્યું હતું કે અલગ અનામત સિવાયની તમામ માગણીઓનો સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કર્યો છે. જોકે અમારી મુખ્ય માગણી અનામતની હતી અને એ સ્વીકારાઈ ન હોવાથી અમારું આંદોલન તો ચાલુ જ રહેશે.
તેમણે કહ્યું હતું કે ગરીબ સવર્ણોને આપવામાં આવેલા 10 ટકા અનામતના લાભાર્થીઓ 250 જેટલા સમાજો હશે એટલે એમાંથી કોઈ ખાસ લાભ મળવાનો નથી. અમને ચાર ટકા અનામત જોઈએ છે. રાજ્યમાં બ્રાહ્મણોની વસતી આઠ ટકા છે અને અમે માત્ર ચાર ટકા અનામત માગીએ છીએ.
બ્રાહ્મણ સમાજની આર્થિક સ્થિતિનું સર્વેક્ષણ કરવા સમિતિની રચના કરવાનું અને તેમના માટે વેલ્ફેર બોર્ડ ઊભું કરવાની માગણીનો સ્વીકાર કરાયો છે. બ્રાહ્મણો પર થતી કોમવાદી ટિપ્પણીથી રક્ષણ આપવાની પણ પ્રતિનિધિ મંડળે માગણી કરી હતી. આ ઉપરાંત દરેક જિલ્લામાં ગરીબ બ્રાહ્મણ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ઊભી કરવાની અને વી.ડી. સાવરકરને ભારતરત્ન આપવાની પણ માગણી કરવામાં આવી હતી.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer